News of Monday, 17th June 2024
કોઠારીયામાં જમીનના ડખ્ખામાં કુટુંબી ભાઇઓ વચ્ચે મારામારીઃ ૩ ઘવાયા
દેવાભાઇ, તેના ભાઇ અરજણભાઇ અને સામા પક્ષે નાથાભાઇને ઇજા

રાજકોટ તા. ૧૭: કોઠારીયા ગામમાં જમીન મામલે કુટુંબી ભાઇઓ વચ્ચે મારામારી થતાં કોઠારીયામાં રહેતાં પ્રોૈઢ અને પોપટપરામાં રહેતાં બે ભાઇઓને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જાણવા મળ્યા મુજબ પોપટપરા-૧૪માં રહેતાં અને છુટક મજૂરી કરતાં દેવાભાઇ નોંધાભાઇ ખરગીયા (ઉ.વ.૪૫) અને તેમના મોટા ભાઇ રઘુનંદન સોસાયટીના અરજણભાઇ નોંધાભાઇ ખરગીયા (ઉ.વ.૬૦) ગઇકાલે કોઠારીયા ગામે આવેલી પોતાની વાડીએ ગયા ત્યારે કુટુંબી ભાઇ નાથાભાઇ સહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. દેવાભાઇએ જણાવ્યું હતું કે ભાયુ ભાગની જમીન કોઠારીયામાં છે. આ જમીન મામલે કેસ ચાલતો હોઇ તે અમે જીતી ગયા હોવા છતાં કુટુંબી નાથાભાઇ વાવણી કરતાં હોઇ ના પાડતાં હુમલો થયો હતો.
સામા પક્ષે નાથાભાઇ બાઘાભાઇ ખરગીયા (ઉ.વ.૫૦) પણ પોતાના પર અરજણભાઇ સહિતે ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ સાથે સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. નાથાભાઇના કહેવા મુજબ ભાયુ ભાગની સહીયારી જમીનમાં અમે વાવણીની તૈયારી કરતાં હોઇ અરજણભાઇ સહિતે આવી વાવણી કરવાની ના પાડી હુમલો કર્યો હતો.
(12:02 PM IST)










