તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
રાજકોટમાં જમીનના દબાણો પ્રશ્ને સાંસદ રામભાઇ ઉકળી ઉઠયા : તંત્રનો ઉધડો લીધો
આટલા કરોડની જમીન ખુલ્લી કરાવી એવું જાહેર કરો છો.. પરંતુ ૧૦ વર્ષ સુધી દબાણ થવા કેમ દો છો : સરકારને જ નુકશાન છે.. કલેકટર તંત્રના અધિકારીઓ ચેમ્બરની બહાર નીકળતા જ નથી : ફિલ્ડમાં જતા જ નથી : ફરિયાદ સંકલન તોફાની બની રાજકોટમાં એક કિંમતી જમીન પ્રશ્ને સાંસદ રૂપાલાએ કોર્પોરેશનના અધીકારીનો જબરો ઉધડો લીધો સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટી અંગે સિવિલ સર્જન ઉપર તડાપીટ : વર્ષોથી એક જ વ્યકિતને કેમ કોન્ટ્રાકટ આપો છો.. રી-ટેન્ડર કેમ નથી કરતા શું કોઇ ગર્ભિત બાબત છે : પી.એમ. રૂમ નવો બનાવવા માટે અમારી ગ્રાંટ વાપરી નાંખો

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ કલેકટર કચેરીમાં આજે કલેકટરના અધ્યક્ષપદે ફરીયાદ સંકલનની મીટીંગ મળી હતી, જેમાં સાંસદ રામભાઇ મોકરીયા, પરષોતમભાઇ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, જીલ્લા પંચાયત પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓ, તમામ પ્રાંત - મામલતદારો, તેમજ અન્ય બ્રાંચના અધિકારીઓ અને એડી. કલેકટર તથા અન્ય ખાતાના અધિકારીઓ-પોલીસ તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
આજે મળેલી ફરીયાદ સંકલન મીટીંગ ભારે તોફાની બની હતી, રાજકોટમાં સરકારી જમીનો ઉપરના દબાણો અંગે સાંસદ રામભાઇ મોકરીયા કલેકટર તંત્ર ઉપર ઉકળી ઉઠયા હતા, જણાવેલ કે તમે પ૦ કરોડની કે ૧૦૦ કરોડની જમીન ખુલ્લી કરાવો છો, મોટી પ્રસિધ્ધિ અપાવો છો,
પરંતુ આ દબાણો ર-પાંચ કે ૧૦ વર્ષથી સરકારી જમીન ઉપર થઇ ગયું ત્યાં સુધી તંત્ર શું કરતું હતું, દબાણ થવા જ શું કામ દિધૂ, આખરે નુકશાન તો સરકારને જ છે, તે રામભાઇએ જણાવેલ કે તમારા મહેસૂલના અધિકારીઓ ચેમ્બરની બહાર નીકળતા જ નથી, ફીલ્ડમાં જતા નથી, અને પરીણામે દબાણો ઉભા થઇ જાય છે, પછી બૂલડોઝર ફેરવી વિગતો જાહેર કરાય છે, પરંતુ દબાણ થવા જ શું કામ દયો છો, તે ગંભીર બાબત છે.
મીટીંગમાં જીલ્લા પંચાયત પ્રમુખે રાજકોટના ૮ થી ૧૦ ગામો બેડલા-પારેવડા વિગેરે ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉપાડી ગ્રામજનોને ૪ થી પ દિવસ સુધી પાણી મળતુ ન હોવાનો પ્રશ્ન ઉપાડયો હતો, જે સંદર્ભે કલેકટર શ્રી પ્રભવ જોષીએ દરેક વિસ્તારના પ્રાંત અધિકારીઓને પાણીના ટેન્કરના ફેરા સતત ચાલુ રાખવા, અને જરૂર પડયે વધુ ટેન્કરો દોડાવવા આદેશો કરાયા હતાં.
આજની મીટીંગમાં રાજકોટના સીવીલ સર્જન ઉપર પણ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તથા રાજયસભાના સભ્ય અને સાંસદ શ્રી રામભાઇ મોકરીયાએ સીવીલ હોસ્પીટલની આકરી સિકયુરીટી, આવારા તત્વો ઘુસી જવા બાબતે તડાપીટ બોલાવી હતી. સાંસદ રામભાઇ મોકરીયાએ સીવીલ સર્જનને પુછયું હતું કે વર્ષોથી સીવીલ હોસ્પીટલમાં રાજયમાં એક જ સોલંકીને સિકયુરીટી અંગે શું કામ કોન્ટ્રાકટ અપાય છે.
બીજો કોઇ કોન્ટ્રાકટર મળતો જ નથી, રી-ટેન્ડર કેમ નથી કરતા, આમાં શું કોઇ ગર્ભિત બાબત છે, તેવો વેધક સવાલ કરાયો હતો. તે ઉપરાંત સીવીલ હોસ્પીટલમાં નવો પી. એમ. રૂમ ઉભો કરવા અંગે સીવીલ સર્જને બજેટ વધી જતુ હોવાનું જણાવતા, સાંસદ રામભાઇએ અમારી બધી ગ્રાંટ વાપરી નાખવાની ઓફર કરી હતી.
રાજકોટ મ્યુ. કોર્પોરેશનના અધિકારી ઉપર પણ તડાપીટ બોલી હતી, કોર્પોરેશનના આ અધિકારીએ રાજકોટની એક કિંમતી જમીન બીનખેતી અને સરકારી બંને હોવાનું જણાવતા સાંસદ રૂપાલા ચોંકી ઉઠયા હતા, અને આ જમીન સરકારી અને ખાનગી એમ બંને પ્રકારે કઇ રીતે હોય શકે તેવો પ્રશ્નનો મારો ચલાવ્યો હતો.
આજની ફરીયાદ સંકલન મીટીંગમાં રસ્તા, પાણી, પુલ, શિક્ષણ, એસટી બસ, જમીનની માંગણી, લાઇટ, સહાય સહિતની બાબતે પ્રશ્નો ઉઠયા હતા, કલેકટરશ્રી પ્રભવ જોષીએ તમામ પ્રશ્નો અંગે જે તે જવાબદાર અધિકારીઓને આદેશો કરી તાકિદે હલ કરવા સુચના આપી હતી
(4:06 PM IST)










