<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

આનંદનગરના રહેવાસીઓ નિઃસહાયઃ મનપા ખાતે રજુઆત : વૈકલ્‍પીક વ્‍યવસ્‍થાની માંગ

ગઇકાલે બપોરથી શરૂ થયેલ લાઇટ-નળ કપાતની કામગીરી મોડી રાત સુધી થતા નારાજગી : ગત રાત્રે રહેવાસીઓએ રસ્‍તા પર ઉતરી ચક્કાજામ કરેલ : મનપા હસ્‍તકના આવાસો વૈકલ્‍પીક ઉપયોગ માટે ફાળવવા તૈયારી વ્‍યવસ્‍થાની જવાબદારી હાઉસીંગ બોર્ડની : તંત્રવાહકોનો સ્‍પષ્‍ટ જવાબ

આનંદનગરના સ્‍થાનીકો દ્વારા મોડી રાતે ચક્કાજામ : શહેરના કોઠારીયા રોડ સ્‍થિત આનંદનગરના જર્જરીત કવાટરોના લાઇટ-નળ કનેકશન કપાતની કાર્યવાહી સામે રહેવાસીઓનો મોડી રાતે રોષ ભભૂકયો હતો. રહેવાસીઓ દ્વારા રોડ પર ઉતરી વિરોધ નોંધાવાની સાથે ચક્કાજામ કર્યો હતો ત્‍યારની તસ્‍વીર. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૯.ર૯)

રાજકોટ, તા. ૧પ : શહેરમાં મનપા અને પીજીવીસીએલ તંત્ર દ્વારા ગયા સપ્તાહે દૂધસાગર રોડ પર આવેલા આકાશદીપ સોસાયટીના હાઉસિંગ બોર્ડના ક્‍વાર્ટરો સીલ કરવામાં આવ્‍યા હતા તેનો પડઘો હજુ શાંત થયો નથી ત્‍યાં બન્ને તંત્રો દ્વારા કોઠારીયા રોડ પર આવેલ આનંદ નગર કોલોનીના હાઉસિંગ બોર્ડના ૧૦૦ જેટલા ક્‍વાર્ટરોના ચોમાસામાં જ એકાએક વીજ જોડાણ અને નળ કનેક્‍શન કટ કરતા રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. ગઇકાલે બપોરેઆ વિસ્‍તારવાસીઓ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને આ અંગે રજૂઆત કરવા દોડી આવ્‍યા હતા પરંતુ કોઈ પદાધિકારીઓ હાજર ન હોય અને આ કાર્યવાહી રાત્રે ચાલુ રહેતા વિસ્‍તારના બાળકો, મહિલાઓ તથા પુરુષ સહીતના હજારો લોકો રસ્‍તા પર આવી તંત્રની કાર્યવાહી સામે વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો. જયારે આજે આનંદનગર કોલોનીના લતાવાસીઓ દ્વારા મનપા કચેરી ખાતે રજુઆત કરવા દોડી આવ્‍યા હતા. મેયર નયનાબેન પેઢડીયાએ સ્‍થાનીકોની રજુઆત સાંભળી આવેદન સ્‍વીકર્યુ હતું. સ્‍થાનીકોએ રજુઆતમાં વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા કરવા માંગ કરી હતી. જેના પ્રત્‍યુતરમાં તંત્ર વાહકોએ જણાવેલ કે અમે મનપા હસ્‍તકના જે ખાલી કવાટરો છે તે ઉપયોગ કરવા માટે આપી શકીએ પણ સમગ્ર વ્‍યવસ્‍થાની જવાબદારી હાઉસીંગ બોર્ડની જ રહે છે. ગઇકાલે  શહેરના દુધસાગર રોડ પરના હાઉસીંગ બોર્ડના લાઇટ-પાણીના કનેકશન કાપ્‍યા બાદ સોરઠીયાવાડી સર્કલ પાસેના આનંદનગરના ૧૦૦ કવાટરોમાં પણ પાણી લાઇટની લાઇનો કાપી નાખવામાં આવતા રહેવાસીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. કવાર્ટર ધારકો દ્વારા વોર્ડના કોર્પોરેટરો વિનુભાઇ ઘવા, કિર્તિબા રાણા તથા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્‍યામસિંહ જાડેજાને સાથ રાખી મનપામાં રજુઆત કરવામાં આવી હતી.મનપા દ્વારા આનંદનગર કોલોનીના ૧૦૦ જેટલા અતિ જર્જરીત કવાર્ટરોમાં નળ-લાઇટ જોડાણની કાર્યવાહી કરવામાં આવી હતી. રહેવાસીઓ દ્વારા રજુઆતમાં જણાવ્‍યા મુજબ મનપા દ્વારા જે કવાર્ટરોને ભયગ્રસ્‍ત ગણાવાયા છે તે ભયગ્રસ્‍ત બાંધકામ નથી. તેમ છતાં એસોસીએશન દ્વારા સમૂહમાં તેનું અમારા દ્વારા રિપેરીંગ કરાવી લેવામાં આવશે.રહેવાસીઓએ વધુમાં રોષ પૂર્ણ રીતે જણાવેલ કે, અમને તા. ૧૦ના રોજ કેટલાક કવાર્ટરો ભયગ્રસ્‍ત હોવા અંગે નોટીસ મળી હતી. જેને બીજા જ દિવસ તા. ૧૧ના રોજ જવાબ પણ આપી દેવામાં આવ્‍યો હોવા છતાં ે નળ-લાઇટ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવી છે.

 આનંદનગરમાં કુલ ૨૨૭ જેટલા કવાર્ટરો આવેલા છે. જેમાં બગીચા પાસેના પારડી રોડ પરના અજંતા પાર્ક સ્‍થિત બીલ્‍ડીંગોના બ્‍લોકમાંના કવાર્ટરોને નોટીસ આપવામાં આવી હતી.

(3:45 PM IST)