તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
ટીપીના અધિકારીઓએ જમીન માલિક સાથે મળી ઇમ્પેક્ટ ફીની નકલી ફાઇલ બનાવી હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યુ હતું
ગેમ ઝોનમાં આગની ઘટના બાદ પોતાની જાતને તપાસથી બચાવવા કરેલા પ્રયાસનો ભાંડાફોડ ગેમ ઝોનના માલિકોના કન્સલટન્ટ મારફત કારસ્તાન ઉભુ કર્યુ હતું: જુનુ રજીસ્ટર સળગાવી નવું આવક-જાવક રજીસ્ટર પણ બનાવ્યું હતું: પુરાવાનો નાશ, કાવત્રુ સહિતની ૭ કલમોનો ઉમેરો કરાયો

રાજકોટ તા. ૧૫: ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની આગ ૨૭ નિર્દોષ લોકોનો જીવ લઇ ગઇ છે. આ મામલે નોંધાયેલા ગુનામાં રાજકોટ પોલીસની સિટની ટીમે ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો, મેનેજર, મ્યુ. કોર્પોરેશનના ટીપીઓ, એટીપીઓ, ફાયર ઓફિસર સહિત ૯ની ધરપકડ કરી હતી. આ બધા રિમાન્ડ બાદ જેલહવાલે થયા છે. અગ્નિકાંડ બાદ ટીપી શાખાના અધિકારીઓએ જમીન માલિકના કન્સલટન્ટ સાથે મળી ઇમ્પેક્ટ ફીનું ડુપ્લીકેટ ફાઇલ ઉભી કરી હતી અને જુનુ આવક-જાવક રજીસ્ટર સળગાવી નવુ આવક-જાવક રજીસ્ટર બનાવ્યુ હતું એટલુ જ નહિ આ બારામાં હાઇકોર્ટમાં ટીપીઓ દ્વારા સોગંદનામુ પણ રજુ કરવામાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે આ બાબતે અલગથી કલમો ઉમેરવા કાર્યવાહી કરી હતી.
ગેમ ઝોનના અગ્નિકાંડમાં દસમા આરોપી અશોકસિંહ જાડેજાની ગુરૂવારે પોલીસે ધરપકડ કરી હતી. તેના ચાર દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. આરોપી અશોકસિંહે પોતે અંધ અને બધીર હોવાનું કારણ કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ ન મળે તેવી દલીલ કરી હતી, પરંતુ એડવોકેટ સુરેશ ફળદુ અને સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી સહિતના વકીલોએ પુરાવા સાથે દલીલ કરી હતી કે અશોકસિંહ જમીનના માલિકની સાથે રેસ-વે એન્ટરપ્રાઇઝના ભાગીદાર છે, તેમણે અત્યાર સુધીના તમામ દસ્તાવેજોમાં સહીઓ કરી હતી જ્યારે રિમાન્ડ ન મળે તે માટે પોતે આંધળા અને બહેરા હોવાનું કારણ દર્શાવવા વકીલાતનામામાં અંગૂઠો મારી કોર્ટની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ કેટલાક પુરાવા રજૂ કરી કહ્યું હતું કે આ કેસના કેટલાક સાહેદોના નિવેદનમાં ખુલ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનની જગ્યાનો ઇમ્પેક્ટ પ્લાન મંજૂર કરવા માટે ચકાસણી ફી ભર્યા બાદ તે પ્લાન ઇન્વર્ડ થયો નહોતો અને અગ્નિકાંડ બાદ આરોપીઓ અને ટીપી શાખાના કેટલાક અધિકારીઓએ મળી અગાઉની તારીખમાં ઇન્વર્ડ કર્યો હતો.
આ ઉપરાંત અગાઉની તારીખમાં ક્વેરી લેટર તૈયાર કરી આપવામાં આવ્યો હતો. ઇન્વર્ડ રજિસ્ટરમાં ચેડાં કરવામાં આવ્યા હતા અને જાવક રજિસ્ટર ડુપ્લિકેટ બનાવવામાં આવ્યું હતું તેમાં ક્વેરી લેટરના જાવક નંબર બતાવી જૂના રજિસ્ટરનો નાશ કરી ખોટી માહિતી રજૂ કરી હતી. પોલીસે આ બાબતે આઇપીસી ૪૬૫, ૪૬૬, ૪૭૧, ૪૭૪, ૧૨૦ (બી), ૨૦૧ તથા ૧૧૪નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો.
આરોપીના રિમાન્ડ મેળવવા માટે વકિલો દ્વારા એવી પણ દલિલો થઇ હતી કે આરોપી અશોકસિંહના ભાઇ કિરીટસિંહ અગાઉ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેમણે જમીન અને ભાગીદારી અંગેની તમામ માહિતી અશોકસિંહ જાણતા હોવાનું રટણ રટયું હતું. જ્યારે અશોકસિંહની પોલીસે ધરપકડ કરી ત્યારે તેમણે આ વાત કિરીટસિંહ જાણતા હોવાનું કહી હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હોઇ આરોપીને રિમાન્ડ પર સોંપવા જોઇએ. કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઇ આરોપી દસમા આરોપી અશોકસિંહ જગદિશસિંહ જાડેજા (ઉ.વ.૬૨, રહે. પ્રદ્યુમન પાર્ક સત્યસાંઈ રોડ)પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
આ અગાઉ પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસ દરીમયાન અગ્નિકાંડ બાદ આરોપીના કન્સલટન્ટ પાસેથી ઇમ્પેક્ટ ફીને લગતી ફાઇલ મંગાવી ટીપી શાખાના અધિકારીઓએ સાથે મળી ઇમ્પેક્ટ ફીના આવક રજિસ્ટરમાં ચેડાં કર્યા હતા અને જાવક રજિસ્ટર ડુપ્લિકેટ બનાવ્યાનો ધડાકો થયો હતો. રજિસ્ટરમાં ચેડાં અને નકલી રજિસ્ટર બનાવવામાં સંડોવાયેલા ટીપી શાખાના કેટલાક કર્મચારીઓની ધરપકડ થાય તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયા અને ટીમો આ કેસની તપાસમાં સામેલ છે.
(3:23 PM IST)










