તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
રાજકોટ જીલ્લામાં સાયબર ફ્રોડથી ગયેલા ૧૯.૪૬ લાખ ૧ર૦ અરજદારોને પરત અપાશે
જીલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ મથક વાઇઝ ટીમની રચનાઃ લોક અદાલતમાં નાણા પરત અપાશે

રાજકોટ તા. ૧પ :.. રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક એસ. એસ. રઘુવંશી દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાગરીકોને સાયબર ફ્રોડના બનાવો બાબતે જન જાગૃતી ફેલાય તે હેતુસર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નાગરીક જોગ સંદેશમાં જણાવવામાં આવેલ કે, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં સાયબર ક્રાઇમના ગુન્હાઓનું પ્રમાણ દિવસો-દિવસ વધવા પામેલ છે. જે બાબતે સાવચેત રહેવા તેમજ સાયબર ફ્રોડના બનતા બનાવો બાબતેની માહિતી અને સુચનો કરવામાં આવેલ હતાં.
સાયબર ક્રાઇમ બને તો સૌથી પહેલા સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર તુરત જ કોલ કરી આપની સાથે બનેલ બનાવની વિગત ફોન પર આપવી. જેટલી ઝડપથી ૧૯૩૦ પર કોલ કરી આપશો એટલી ઝડપથી ફ્રોડમાં ગયેલ નાણા બેન્કમાં હોલ્ટ કરાવી શકાશે.
ચાલુ વર્ષ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ ૯૭પ સાયબર ફ્રોડના બનેલ બનાવોની નોંધ ૧૯૩૦ હેલ્પલાઇન પર નોંધાયેલ છે. જે નોંધાયેલ ફરીયાદની વિગત આપના નજીકના પોલીસ સ્ટેશનને મોકલી તેમના દ્વારા તપાસ કરવામાં આવે છે. જેમાં સાયબર ફ્રોડના ભોગ બનેલ અરજદારના નાણા સામાવાળાના બેન્ક એકાઉન્ટમાં પોલીસ દ્વારા હોલ્ડ કરાવેલ હોય તે રકમ અરજદારને પરત અપાવવાની કાર્યવાહી પોલીસ દ્વારા રોજે રોજ કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લાની કુલ ૧ર૦ અરજીઓ કે જેમાં અરજદારના નાણા સામાવાળાના બેન્ક ખાતામાં હોલ્ટ પડેલ છે. તેની અરજીઓ તૈયાર કરી રાજકોટ ડીસ્ટીકટ કોર્ટમાં યોજાતી લોકઅદાલતમાં મુકી રૂા. ૧૯,૪૬,૪પ૭ (ઓગણીસ લાખ છેતાલીસ હજાર ચારસો સતાવન પુરા) અરજદારને કોર્ટ મારફતે પરત અપાવવાની કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
આગામી તા. રર-૬-ર૦ર૪ ના લોક અદાલતમાં અત્રેના જીલ્લાની પેન્ડીંગ સાયબર ફ્રોડની અરજીઓમાં જે અરજીઓમાં સામાવાળાના બેન્ક એકાઉન્ટમાં નાણા પડેલ છે તે નાણા પરત અપાવવાની કાર્યવાહી ઝૂંબેશરૂપે ચાલુ છે. જેમાં જીલ્લાના તમામ પો. સ્ટે. ખાતે સાયબર ફ્રોડમાં ગયેલ નાણા પરત અપાવવા સારૂ પો. સ્ટે. વાઇઝ એક ટીમની રચના કરેલ છે જે અરજદારને પો. સ્ટે. ખાતે બોલાવી તેમની અરજીમાં સામાવાળાના ખાતામાં ફ્રોડના નાણા હોલ્ટ થયેલ હોય તો તેઓને આ લોકઅદાલતમાં નાણા પરત અપાવવાની કાર્યવાહી ચાલુ છે. સાયબર ફ્રોડથી સચેત રહેવા નાગરીકોને અપીલ કરાઇ હતી.
(11:52 AM IST)










