<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

વીજ બોર્ડના ડાયરેકટર ટેક. હેરીન કોઠારીનું દુઃખદ અવસાન : હજારો કર્મચારીઓમાં ઘેરો શોક

અકિલાના મોભી કિરીટભાઇ - અજીતકાકા - નિમીષભાઇ સાથે અતૂટ નાતો હતો : વીજતંત્રમાં જૂનિયર ઇજનેરથી ડાયરેકટર સુધીની ઝળહળતી સફળતમ કારકિર્દી : રાજકોટમાં ૨૦૦ કિમીનો અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ તથા જંગલેશ્વર સહિતના સંવેદનશીલ વિસ્‍તારોમાં એકલા હાથે વીજચોરી ઝડપી લીધી હતી

રાજકોટ તા. ૧૪ : વીજ બોર્ડના અત્‍યંત લોકપ્રિય અધિકારી ડાયરેકટર ટેકનિકલ શ્રી હેરીન કોઠારીનું ગઇરાત્રે ૯ વાગ્‍યે વડોદરા ખાતે દુઃખદ અવસાન થતા, અરિહંત શરણ પામતા વીજતંત્રના હજારો કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ હતી, તેઓને ૪ થી ૫ વર્ષ પહેલા કેન્‍સરની બીમારી થઇ, પરંતુ સફળતાપૂર્વક ઓપરેશન બાદ વીજબોર્ડના હાઇલેવલ અધિકારી તરીકે સતત ફરજ ઉપર હાજર રહ્યા હતા. તાજેતરમાં તા. ૨૭મી જૂને તેઓ રિટાયર્ડ થવાના હતા ત્‍યાં કૂદરતે શ્રી હેરીન કોઠારીને પોતાની પાસે બોલાવી લીધા હતા, આજે સવારે ૧૦ વાગ્‍યે ૨-સરસ્‍વતી સોસાયટી, નિર્મલા રોડ ખાતેથી તેમની સ્‍મશાનયાત્રા નીકળી ત્‍યારે અશ્રુઓનો દરિયો વહ્યો હતો, અંતિમક્રિયા મુકિતધામ રૈયા ગામ ખાતે કરાઇ હતી.

સ્‍વ. પ્રવીણભાઇ મથુરદાસ કોઠારી તથા ગં.સ્‍વ. પ્રવીણાબેન પ્રવીણભાઇ કોઠારીના પુત્ર હેરીન કોઠારી (ઉ.વ.૬૨) તેમની પાછળ તેમના પત્‍ની સિધ્‍ધીબેન, પુત્ર નીલ, ભાઇ વિરલભાઇ તથા બેન રાજેશ્રીબેન અને બહોળા પ્રમાણમાં સ્‍નેહીજનો - મીત્રો - સંબંધીઓને વિલાપ કરતા છોડી ગયા છે.

સ્‍વ. હેરીન કોઠારીને ‘અકિલા' પરિવાર સાથે અતૂટ નાતો હતો, મહિને બે મહિને ‘અકિલા'ના મોભી અને મેનેજીંગ તંત્રીશ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલા વેબ એડીશનના સુકાની અને એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે ‘અકિલા' કાર્યાલય ખાતે આવી અચૂક મુલાકાત કરતા. કહેતા કે કિરીટકાકા બોલો હવે રાજકોટ - સૌરાષ્‍ટ્રને વીજ તંત્ર તરફથી કેવી સુવિધા મળે તે માટે ખાસ સૂચન કરો... કિરીટભાઇનું અનેક વખત લોકોને સારામાં સારી વીજતંત્ર તરફથી સુવિધા મળે માર્ગદર્શન - સૂચનો મેળવ્‍યા હતા.

શ્રી હેરીન કોઠારીની રાજકોટમાં અને સમગ્ર વીજબોર્ડમાં ૪૪ વર્ષની સફળતમ કારકિર્દી હતી, પોતાના ફરજકાળ દરમિયાન જુનિયર ઇજનેરથી મેમ્‍બર ટેક. ડાયરેકટર સુધીની કારકિર્દીમાં કોઇ ડાઘ લાગવા દિધો ન હતો, હજારો કર્મચારીઓ - અધિકારીઓમાં તેઓ ભારે લોકપ્રિય બન્‍યા હતા, ખાસ કરીને રાજકોટમાં ૨૦૦ કિમીનો અન્‍ડર ગ્રાઉન્‍ડ કેબલ અને જંગલેશ્વર સહિતના સંવેદનશીલ વિસ્‍તારોમાં એકલા હાથે દરોડા પાડી વીજચોરી ઝડપી લઇ ટી એન્‍ડ ડીલોસ ઘટાડયો હતો. રાજકોટમાં ઘટાડયો હતો. રાજકોટમાં ચીફ ઇજનેર તરીકે તેમણે અનેક મહત્‍વના નિર્ણયો લીધા હતા. ખાસ કરીને તૌકતે વાવાઝોડા વખતે સેંકડો ટીમો ઉતારી ટુંકાગાળામાં લોકોના ઘરોમાં વીજળી પહોંચતી કરી હતી.

સદ્‌ગત શ્રી હેરીન કોઠારીના દુઃખદ નિધન બદલ આજે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, નિમીષભાઇ ગણાત્રા તથા સમગ્ર ‘અકિલા' પરિવારે શ્રધ્‍ધાંજલિ - પુષ્‍પાંજલી અર્પી, બે મીનીટનું મૌન વ્‍યકત કરી પ્રાર્થના વ્‍યકત કરી હતી. શ્રી હેરીન કોઠારીને આજે પીજીવીસીએલના એમ.ડી. શ્રી પ્રિતી શર્મા, ચીફ ઇજનેરો, અન્‍ય અધિકારીઓ, કર્મચારીઓએ શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી, સ્‍મશાનયાત્રામાં જોડાયા હતા.

(11:16 AM IST)