તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
મોદીજીનો ત્રીજો કાર્યકાળ ભારતીય રાજીનીતિના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાશે : રાજુભાઇ ધ્રુવ
કોંગ્રેસની ભ્રામક વાતો અને ગઠબંધનની સતાલાલચું વૃત્તિને જનતાએ જાકારો આપ્યો

રાજકોટ, તા. ૧ર : લોકસભા ચૂંટણીઓમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએ કેન્દ્રમાં સતત ત્રીજીવાર સરકાર રચી દેશનું સૂકાન સંભાળી લીધું છે. લોકસભા સાથે વિધાનસભા પેટા ચૂંટણીમાં ગુજરાત સહિત દેશભરમાં ભાજપના શ્રેષ્ઠ પ્રદર્શનનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે કરોડો કાર્યકરો-મતદારોને આપતા ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, નીતિ, નિર્ણયો અને નિષ્ઠાનો વિજય થતા કેન્દ્રમાં સતત ત્રીજીવાર એનડીએ સરકાર રચાઈ છે.
દેશમાં ફરી સ્થિર, પારદર્શી અને પ્રામાણિક સરકારના સુશાસમાં સેવાકાર્યો શરૂ થઈ ચૂક્યા છે. મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાશે.
વધુમાં જણાવ્યું કે, વર્તમાન ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભારત વિરોધી દુશ્મન દેશના આંતરરાષ્ટ્રીય ષડયંત્ર, ગઠબંધનની લાલચું વૃત્તિ અને ભ્રષ્ટાચારીઓ-દેશદ્રોહીઓના મલિન ઈરાદાઓનો કારમો પરાજય થયો છે. સમગ્ર ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ના નેતૃત્વવાળા વિપક્ષે એક સાથે મળી નરેન્દ્રભાઈ મોદી, ભાજપ અને ભારતને નીચું દેખાડવાના, ધર્મ-સંસ્કૃતિને બદનામ કરવાનાં ઘણા જ પ્રયત્નો કર્યા પણ જીત હંમેશા સત્યની થતી આવી છે અને સત્ય જીતી ચૂક્યું છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણીને ભારતીય રાજકારણમાં બુરાઈઓ પર સારાઈની જીત થયાના ઉપલક્ષ્યમાં પણ યાદ રાખવામાં આવશે.
દેશની જનતા કોંગ્રેસના કુશાસનનો બદલો લઈ રહી છે. સત્તા લાલચુઓનું ગઠબંધન ક્યારેય આવકાર્ય નથી. એક નરેન્દ્રભાઈ મોદીને હરાવવા બધા જ ભેગા મળી ગયા છતાં ૧૪૦ કરોડ જનતા જેની સાથે છે તેવા વિકાસ પુરુષને ન હરાવી શક્યા. આ લોકશાહીની તાકાત છે. આ દેશની જનતા માત્રને માત્ર રાષ્ટ્રહિત, દેશસેવામાં સમર્પિત, પ્રમાણિક લોકસેવકને આવકારી રહી છે.
લોકશાહીના આ મહાપર્વમાં જાતિવાદ, વંશવાદ જેવા દૂષણોનો પરાજય અને વિકાસવાદનો વિજય થયો છે.
દેશવાસીઓએ ખરા હદયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દસ વર્ષના સુશાસનને વધાવ્યું છે અને ફિર એક બાર મોદી સરકાર તથા આવશે તો મોદીજ ના નારાને સાર્થક બનાવ્યું છે. અંતમાં રાજુભાઈ ધ્રુવે ભાજપના વિજય થવા પર તેમજ કેન્દ્રમાં ભાજપ-એનડીએની સરકાર બનવા પર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આ ઐતિહાસિક વિજય સાથે સંકળાયેલા જોડાયેલા સહભાગી સૌને અભિનંદન પાઠવ્યા છે
(4:41 PM IST)










