<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

સાધુ-સંતોની વાત સાંભળવા કોઈ રાજકીય પક્ષ તૈયાર નથી : સનાતન ધર્મના રક્ષણ માટે સંત સંમેલનમાં ગઢડાના એસ.પી. સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનો ભાગ છે. સ્વામિનારાયણ ભગવાને આદેશ કર્યો છે કે, કોઈ દેવી-દેવતાનું અપમાન ના કરવું જોઈએ.

રાજકોટ નજીકના ત્રંબા ખાતે સનાતન ધર્મની રક્ષા તેમજ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સાધુ-સંતોનું મહાસંમેલન મળ્યું છે. જેમાં જાણીતા કથાકાર મોરારીબાપુ, ભાઈશ્રી રમેશ ઓઝા,શંકરાચાર્ય, શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ, લલિતકિશોરજી મહારાજ સહિતના સંતો-મહંતોએ હાજરી આપી છે.

આ સંમેલનમાં ગઢડાના એસ.પી. સ્વામીએ જણાવ્યું કે, લોકશાહી આવ્યા બાદ સાધુ-સંતોની વાત સાંભળવા કોઈ રાજકીય પક્ષ તૈયાર નથી. સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનો ભાગ છે. સ્વામિનારાયણ ભગવાને આદેશ કર્યો છે કે, કોઈ દેવી-દેવતાનું અપમાન ના કરવું જોઈએ. શિક્ષાપત્રીમાં પણ દેવી-દેવતાના અપમાનની કોઈ વાત નથી લખી.

  અગાઉ આ સંત સંમેલન અંગે વિગતો આપતા મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ વિરુદ્ધ જે વ્યાપ વધ્યો છે, તેની સામે રક્ષણ કરવો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સિવાય સનાતનના સિદ્ધાંત સચવાય તે અમારો હેતુ છે. કોઈપણ વ્યક્તિ પોતાના વક્તવ્ય કે પ્રવચનમાં હિન્દુ ધર્મના શાસ્ત્રો કે સનાતન દેવી-દેવતાનું અપમાન કરશે, તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ધર્મને લગતા કોઈ પ્રશ્નો ઉભા થશે, ત્યારે સરકાર સાથે સંકલન કરીને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે.

  દ્વારકાના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની નિશ્રામાં આયોજિત આ સંત સંગોષ્ઠી સંમેલનમાં ધર્મની રક્ષા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ ધર્મસભામાં મુક્તાનંદ સ્વામી દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માગ કરવામાં આવી છે

(8:43 PM IST)