<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ નિષ્‍પક્ષ, ન્‍યાયી અને તટસ્‍થ થશેઃ ગુનેગાર છુટશે નહિ, નિર્દોષ દંડાશે નહિઃ સુભાષ ત્રિવેદી

જે દુઃખદ ઘટના બની છે અને જે લોકોએ સ્‍વજનો ગુમાવ્‍યા છે તેમના પ્રત્‍યે સરકાર ચિંતીત છે, અમને ખુબ સંવેદના છેઃ સિટના વડાનું નિવેદનઃ સરકારે નિમેલી સિટની ટીમ રાજકોટ આવીઃ પકડાયેલા આરોપીઓની પુછતાછ કરીઃ આગામી સમયમાં વધુ કેટલાકની ધરપકડ થશે તેવી ભારે ચર્ચા : અત્‍યાર સુધીમાં અનેકની પુછતાછ થઇ છે, અનેક દસ્‍તાવેજો કબ્‍જે થયા છે, ઘણી એજન્‍સી તપાસમાં સામેલ છે, વિશાળ ફલક પર વિસ્‍તરેલી તપાસ ખુબ કાળજીપુર્વક કરવી પડેઃ કોર્પોરેશનમાં કેવી કામગીરી છે? ફાયર સેફટી એક્‍ટની જોગવાઇનો ફાયર બ્રિગેડ દ્વારા કેવો અમલ થયો? ટાઉન પ્‍લાનીંગ દ્વારા શું ભુલ થઇ કે નિષ્‍કાળજી રખાઇ? તે સહિતની તપાસ થઇઃ ભવિષ્‍યમાં આવી દર્દનાક ઘટના ન બને તે માટે તલસ્‍પર્શી તપાસ

રાજકોટ તા. ૧૧: શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ૨૫મી મેના રોજ ભભૂકેલી આગની હીચકારી ઘટનામાં ૨૭ નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતાં. આ મામલે તાલુકા પોલીસમાં નોંધાયેલા સાપરાધ મનુષ્‍ય વધ સહિતની કલમો હેઠળના ગુનામાં રાજકોટ પોલીસની સિટની ટીમે ૯ આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકીના પાંચ આરોપીઓના રિમાન્‍ડ પુરા થયા બાદ જેલહવાલે થયા છે. બાકીના ચારના રિમાન્‍ડ હજુ ચાલુ હોઇ તેની વિશેષ પુછતાછ યથાવત છે. બીજી તરફ સરકાર દ્વારા નિમાયેલી સિટના અધ્‍યક્ષ એવા  સીઆઇડી ક્રાઇમના વડાશ્રી સુભાષ ત્રિવેદી રાજકોટ ખાતે ઝડપાયેલા આરોપીઓ સહિતનાના નિવેદન નોંધવા રાજકોટ આવી પહોંચ્‍યા હતાં. તેમણે મિડીયાને જણાવ્‍યું હતું કે-આ ખુબ જ દુઃખદ ઘટનાના ગુનાની તપાસ છે, ઉંડાણપુર્વક તપાસ થાય તો જ દોષીત દંડાય અને નિદોર્ષ ભોગ ન બને. આ ઘટનામાં ન્‍યાયી, નિષ્‍પક્ષ અને તટસ્‍થ તપાસની હું ખાત્રી આપુ છું.

દરમિયાન આજે સવારે સિટના વડાશ્રી સુભાષ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે-આ એકદમ દુઃખદ ઘટનામાં નોંધાયેલા ગુનાની તપાસ રાજકોટ પોલીસ કરી રહી છે. જે ઘટના બની છે તે અત્‍યંત દુઃખદ છે અને સરકાર ચિંતીત છે, જે પરિવારોએ તેમના સ્‍વજનોને ગુમાવ્‍યા છે તેમના પ્રત્‍યે અમને ખુબ સંવેદના છે. આ ઘણા વિશાળ ફલક પર વિસ્‍તરેલી તપાસ છે, જેમાં અલગ અલગ એજન્‍સીઓ સંકળાયેલી છે. એટલા માટે આની ઉંડાણ પુર્વક તપાસ કરવી પડે, જો ઉંડાણથી તપાસ થાય તો જ દોષીત દંડા અને કોઇ નિર્દોષ માણસ આનો ભોગ ન બને. એ પણ ધ્‍યાન રાખવું પડે કે ખુબ કાળજીપુર્વક તપાસ થાય અને દોષીત હોય તેને જ સજા મળે અને નિર્દોષ માણસ ભોગ ન બને.

શ્રી ત્રિવેદીએ વધુમાં કહ્યું હતું કે અત્‍યાર સુધીમાં આ કેસમાં સિટ દ્વારા ઘણાની પુછતાછ થઇ ચુકી છે, ઘણા દસ્‍તાવેજો કબ્‍જે થયા છે. અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે? ફાયર બ્રિગેડની કામગીરી કેવા પ્રકારની છે? ફાયર સેફટી એક્‍ટ ૨૦૧૩-૨૦૨૩ સુધીની જોગવાઇઓનો ફાયર ડિપાર્ટમેન્‍ટમાં શું અમલ થયો છે?  અન્‍ય વિભાગો શું કાર્યવાહી કહી રહી છે? જીડીસીઆર (જનરલ ડેવલપમેન્‍ટ કન્‍ટ્રોલ રેગ્‍યુલેશન્‍સ)અને ગ્રુડા (ગુજરાત રેગ્‍યુલરાઇઝેશન ઓન અનઓથોરાઇઝડ એક્‍ટ)માં શું નિયમો છે? એમા ક્‍યાં વાયોલેશન થયું છે? ટાઉન પ્‍લાનીંગ દ્વારા શું ભુલ થઇ કે નિષ્‍કાળજી થઇ છે? અન્‍ય કોર્પોરેશનમાં પણ ગાઇડલાઇન આપી શકાય અને ભવિષ્‍યમાં કોઇ દર્દનાક બનાવ ન બને  તેના માટે તલસ્‍પર્શી તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ બીલકુલ ન્‍યાયી નિષ્‍પક્ષ અને તટસ્‍થ તપાસ થશે તેની હું ખાત્રી આપુ છું. તેમ વધુમાં સુભાષ ત્રિવેદીએ જણાવ્‍યું હતું.

ઉલ્લેખનિય છે કે ટીઆરપી ગેમ રાજકોટના ઝોનના અગ્નિકાંડની સર્વગ્રાહી તપાસ માટે રાજય સરકાર દ્વારા રચવામાં આવેલી સિટના વડા સુભાષ ત્રિવેદીએ ગઇકાલે રાજકોટ ખાતે તેમની ટીમ સાથે પહોંચ્‍યા હતાં અને આ ગુનામાં સામેલ તમામ આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરવા ઉપરાંત અત્‍યાર સુધીના મળેલા પુરાવાની છણાવટ કરી હતી. તેમણે ક્રાઈમ બ્રાંચની કચેરીએ જઈ તમામ આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરી હતી. ગુનાની તપાસ માટે અલગથી સિટની રચના કરવામાં આવી હોઇ આ સિટના અધિકારીઓ સાથે પણ લંબાણભરી ચર્ચા કરી અત્‍યાર સુધી થયેલી તપાસની માહિતી મેળવી હતી. આ ઉપરાંત અત્‍યાર સુધી જેટલા પણ પુરાવા મળ્‍યા છે તેની પણ છણાવટ કરી હતી.

ગુનાની તપાસ કરતી રાજકોટ પોલીસની સિટની ટીમ પાસે આજ સુધી કુલ નવ આરોપીઓ રિમાન્‍ડ પર હતા. જેમાંથી ચાર આરોપીઓમાં યુવરાજસિંહ સોલંકી, નિતીન લોઢા, રાહુલ રાઠોડ અને ધવલ ઠકકરના રિમાન્‍ડ પુરા થતા ગઇકાલે કોર્ટમાં રજૂકરતા ચારેયને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો. જોકે તે પહેલાં જ સિટના વડા સુભાષ ત્રિવેદીએ આ ચારેય આરોપીઓની પુછપરછ કરી હતી. ગુનાની તપાસ કરતી સિટે અત્‍યાર સુધી કયા કયા પુરાવા મેળવ્‍યા છે, વધુ કયા સરકારી ખાતાના અધિકારીઓ કે માણસોની ગુનાહીત બેદરકારી હતી. તે અંગેની તપાસને આગળ વધારવામાં આવી છે.  આ જોતાં આગામી દિવસોમાં વધુ આરોપીઓની ધરપકડ થવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.

ગઇકાલે જેલ હવાલે કરાયેલા ચારેય આરોપીઓને નિયમ મુજબ સર્કલ-૧ ખાતે રાખવામાં આવ્‍યા છે. જેલના સૂત્રોએ જણાવ્‍યું કે સાંજે ૬ વાગ્‍યા પછી જે પણ કેદીઓને જેલમાં લાવવામાં આવે તેમને સર્કલ-૧ ખાતે રાખવામાં આવે છે. બીજા દિવસે તેમને અલગ-અલગ સેલ ફાળવાય છે. નિયમ મુજબ એક જ ગુનામાં એકથી વધુ આરોપીઓ હોય તો તેમને એક જ સેલમાં રાખવાનાં હોતા નથી. જેને ધ્‍યાને લઈ આવતીકાલે ચારેય આરોપીઓને જુદા-જુદા યાર્ડના અલગ-અલગ સેલમાં મોકલવાની આજે કાર્યવાહી થઇ હતી.

રાજકોટ સિટની ટીમ પાસે હાલમાં ચાર આરોપી હજુ રિમાન્‍ડ પર છે, જેના રિમાન્‍ડ ગુરૂવારે ૧૨મીએ પુરા થવાના છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા અને તેમની ટીમો તપાસ કરી રહી છે. ટીપીઓ મનસુખ સાગઠીયા સામે બોગસ મિનીટસ બૂક ઉભી કરવાનો અલગથી ગુનો નોંધાયો હોઇ તેની હાલના ગુનામાં રિમાન્‍ડ પુરી થઇ બીજા ગુનામાં ધરપકડ કરવામાં આવશે.

(5:25 PM IST)