News of Tuesday, 11th June 2024
સિવિલ હોસ્પિટલની સિક્યુરીટીને વધુ મજબૂત બનાવાઇઃ ડોક્ટરોની સુરક્ષા માટે ૫૦થી વધુ બાઉન્સર રહેશે ખડેપગે
જુનીયર ડોકટર્સ એસોસિએશને કહ્યું-સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીને અમારી માંગણીઓ મુજબ તુરંત પગલા લઇ લીધા તેનાથી સંતોષ છે, હડતાલનો અંત

રાજકોટ તા. ૧૧: પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ગયા શનિવારે એક મહિલા દર્દીને દાખલ કરવા મામલે તેના સગા એવા સિવિલ હોસ્પિટલના મહિલા સર્વન્ટ રૂકસાનાબેન અને તેની સાથેના લોકોએ મહિલા દર્દીને દાખલ કરી દેવામાં આવ્યા પછી મોબાઇલ ફોનથી વિડીયો ઉતારવાનું ચાલુ કરતાં વોર્ડ નં. ૭માં ફરજ પરના તબિબ ડો. મેરીએ તેમને આ નિયમ વિરૂધ્ધ હોઇ વિડીયો ઉતારવાની ના પાડી મોબાઇલ ફોન નીચે કરતાં મહિલા સર્વન્ટ સહિતે હાથાપાઇ કરી લીધી હતી. એ પછી સર્વન્ટ પોતાના પર હુમલો થયાની વાત સાથે હડતાલ પર ઉતરી ગયા હતાં. બીજી તરફ જુનિયર ડોક્ટર્સ એસોસિએશનમાં પણ રોષ ફેલાઇ ગયો હતો અને મહિલા તબિબને મારકુટ કરવામાં આવ્યા બાદ સર્વન્ટ દ્વારા ખોટી રજૂઆત કરવામાં આવ્યાનું જણાવી હડતાલની તૈયારી કરી હતી. તબિબોએ માંગણી રજૂ કરી હતી કે માથાકુટ કરનાર સર્વન્ટને તત્કાળ નોકરીમાંથી છુટા કરવામાં આવે, દરેક વોર્ડમાં સશક્ત સિક્યુરીટી ઉપરાંત બાઉન્સર મુકવા, સીસીટીવી કેમેરા વધારવામાં આવે તેમજ પાસ સિસ્ટમ કડક બનાવવામાં આવે. આ માંગણીઓ પૈકી ત્રણ માંગણીઓ તુરંત સ્વીકારી લેવામાં આવતાં તબિબોએ હડતાલ મોકુફ રાખી હતી. બીજી તરફ સિક્યુરીટીની ટીમોને વધુ કડક બનાવવામાં આવી છે. તેમજ ડોક્ટરોની માંગણી મુજબ સમગ્ર હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં ૫૦થી વધુ બાઉન્સર મુકી દેવામાં આવ્યા છે. જુનિયર ડોક્ટર એસોસિએશન વતી ડો. ધીમંત મારવીયાએ જણાવ્યું હતું કે અમારી ચાર પૈકી ત્રણ મુખ્ય માંગણી તુરંત સ્વીકારી લેવામાં આવતાં અમે હડતાલ મોકુફ રાખી છે. તબિબી અધિક્ષક, ડીન અને મિડીયાનો તેણે આભાર વ્યક્ત કર્યો હતો. જુનિયર ડોક્ટર્સ અને હોસ્પિટલમાં મુકાયેલા બાઉન્સર જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
(5:24 PM IST)










