તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
જ્યુબેલી શાકમાર્કેટ વિસ્તારના વોંકળામાં દિવાલ બનાવો : રજૂઆત
વોંકળામાં ગંદકીના ગંજ : રોગચાળાનો ભય : વિસ્તારવાસીઓએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી સમસ્યા તાકીદે ઉકેલવા કરી માંગ

રાજકોટ તા. ૧૧ : શહેરના જયુબેલી શાકમાર્કેટ સામે આવેલ વોંકળાના રોડ ઉપર આવેલ દિવાલ ઉપર લાંબા પતરાઓ અને ગુમાનસિંહજી માર્કેટ બાજુ મોટી દીવાલ બનાવવા આસપાસના વિસ્તારવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી છે.
આ અંગે પાઠવેલ પત્રમાં જણાવાયું છે કે, જયુબેલી શાકમાર્કેટ સામે ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર અને મમતા મેડીકલ સ્ટોરની વચ્ચે આવેલ વોકળામાં લોકો ગંદકી - કચરો વોંકળામાં ન નાખે તે માટે વોંકળાની રોડ ઉપર આવેલ દિવાલ ઉપર લાંબા પતરાઓ નાખવામાં આવે અને ગુમાનસિંહજી માર્કેટ બાજુ મોટી દીવાલ બનાવવામાં આવે.
વધુમાં લતાવાસીઓએ જણાવ્યું હતું કે, બકાલાવાળાઓ, મટન માર્કેટવાળા, મચ્છી માર્કેટવાળા અને અન્ય લોકો રોજ એટલો બધો કચરો નાખી જાય છે કે ગંદકીનો પાર નથી ગંદકીના થર જામી ગયા છે અને એટલી બધી દુર્ગંધ આવે છે કે આજુબાજુ દુકાનદારો અને આજુબાજુના રહેઠાણના મકાનમાં રહી શકતા નથી અને રોગચાળાનો ભય ફેલાયો છે. તે યોગ્ય કરવા લોકોની માંગણી છે.
(5:05 PM IST)










