<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

મોરબી રાજકોટ રૂટની એસ.ટી. બસમાં એસી બંધ હોવા છતા ટીકીટમાં એસીનો ભાવ વસુલી લેવાયો

એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિની રજુઆતથી કોન્‍ટ્રાકટરને પેનલ્‍ટી ફટકારાઇ

રાજકોટ  તા. ૧૧ : મોરબી રાજકોટ રૂટની એસ.ટી. બસમાં એ.સી. બંધ હોવા છતા મુસાફરો પાસેથી એ.સી.નો ચાર્જ ટીકીટમાં વસુલેવાયો હોવાની ફરીયાદ ઉઠતા ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા આ બાબતે વાહન વ્‍યવહાર નિગમને રજુઆત કરવામાં આવતા તેની અસરરૂપે વિભાગીય નિયામકે તુરંત પગલા ભરી જવાબદાર કોન્‍ટ્રાકટરને રૂ.૨૭૦૦ ની પેનલ્‍ટી લગાડી હોવાનું એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ અને લોકસંસદ વિચાર મંચની યાદીમાં જણાવાયુ છે.

સમિતિ અને મંચના ગજેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ કોર્પોરેટર દીલીપભાઇ આસવાણી, એડવોકેટ ઇન્‍દુભા રાઓલ, ગજુભા જાડેજા, મહિલા સામાજીક અગ્રણી મનીષાબા વાળા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, નિશાબેન સોલંકી, પ્રફુલાબેન ચૌહાણની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે એસ.ટી. બસ ડેપોની બેદરકારી વારંવાર ઉજાગર થઇ રહી છે.

આ પહેલા પણ કાળજાળ ગરમીમાં એસ.ટી. રાજકોટ ડેપોના ૫૦% પંખા બંધ હતા. તેમજ ધોળકા, સાવરકુંડલા, ભાવનગર બસપોર્ટ તથા અન્‍ય ડેપોમાં પણ પંખા બંધ હોવાની વ્‍યાપક ફરીયાદ મળતા મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા હલ્લાબોલની ચીમકી અપાતા તુરંત તમામ સ્‍થળોએ પંખા ચાલુ કરી દેવાયા હતા.

એજ રીતે હાલ મોરબી રાજકોટ રૂટની એસ.ટી. બસમાં ગંભીર લાપરવાહી સામે આવી છે. તા. ૧૧ ના મોરબી રાજકોટ રૂટની બપોરે ૩-૧૦ વાગ્‍યે ઉપડતી એ.સી. મીની ઇલેકટ્રીક બસમાં એસ.સી. બંધ હોવા છતા  મુસાફરો પાસેથી એસ.સી.ની ટીકીટ વસુલવામાં આવી રહી હતી. એક તો મુસાફરોએ યાતના ભોગવવાની અને છતાય ટીકીટ વધારે આપવાની. આ બાબતે મુસાફર હીતરક્ષક સમિતિએ એસ.ટી. તંત્રનો કાન આમળતા તુરંત પગલા ભરી જવાબદાર કોન્‍ટ્રાકટરને પનલ્‍ટી ફટકારવામાં આવી હોવાનું હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા અને દીલીપભાઇ આસવાણીએ યાદીના અંતમાં જણાવેલ છે.

(4:29 PM IST)