News of Tuesday, 11th June 2024
કુવાડવા જીઆઇડીસીમાં કારખાનાની ઓફીસમાં આગઃ ૩પ લાખનું નુકશાન
આગમાં વાયરીંગ, લેપટોપ, પ્રીન્ટર, ફર્નિચર, તમામ કાગળો, કારીગરોના પગારના બે લાખ રોકડા, ત્રણ એસી, ૧પ ખુરશી, ડીવીઆર અને સીસીટીવી કેમેરા બળીને ખાક

રાજકોટ તા. ૧૧: કુવાડવા નજીક જીઆઇડીસીમાં આવેલા કોસ્મેટીક વસ્તુ બનાવવાના કારખાનાની ઓફીસમાં એકાએક આગ લાગતા ફરયા બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
મળતી વિગત મુજબ કુવાડવા નજીક જીઆઇડીસીમાં આવેલા કચ્છ શોપ નામના કોસ્મેટીકને લગતી વસ્તુ બનાવવાના કારખાનાની ઓફીસમાં રાત્રે એકાએક આગ લાગી હતી. પાડોશીએ જાણ કરતા કારખાનાના માલીક અમરભાઇ ઠકકર તથા તેના મેનેજર તુરત જ કારખાને દોડી આવ્યા હતા અને તેણે ફાયર બ્રિગેડમાં જાણ કરી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફ પહોંચે તે દરમ્યાન અમરભાઇ તથા તેને મેનેજર સહિતના લોકોએ કારખાનામાં રહેલા ફાયર સેફટીના સાધનો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાન ફાયર બ્રિગેડના ફાયરમેન રમેશભાઇ, વિકાસ,ઇ જાવીદભાઇ તથા દેવાભાઇ સહિત ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગમાં ઓફીસમાં રહેલ ઇલેકટ્રીક વાયરીંગ, આઠ લેપટોપ, ચાર પ્રીન્ટર, કર્મચારીઓને પગારના રૂા. ર લાખ રોકડા, ત્રણ એ.સી., બે કોફીના મશીન, તમામ કાગળો, ૧પ ખુરશી તથા ડીવીઆર અને સીસીટીવીછ કેમેરા સહિત આખી ઓફીસ બળી ગઇ હતી. આગમાં અંદાજે રૂા. ૩પ લાખનું નુકશાન થયું હોવાનું કારખાનાના માલીકે જણાવ્યું હતું.
(4:28 PM IST)










