<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ગુજરાતની તમામ સ્‍વનિર્ભર શાળાઓમાં ચાલતી સીલીંગ

પ્રક્રિયામાં વિસંગતતા નિવારી SOP જાહેર કરો સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાની મુખ્‍યમંત્રીને રજૂઆત

રાજકોટ તા. ૧૧ : રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડયા છે. સરકાર દ્વારા NOC-BU વગરની બીલ્‍ડીંગો ‘સીલ' કરવામાં આવે છે ત્‍યારે સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને પત્ર પાઠવી શાળાઓમાં ચાલતી સીલીંગ પ્રક્રિયામાં વિસંગતતા નિવારી યોગ્‍ય SOP જાહેર કરવા માંગ કરી છે.

સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ગુજરાત પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્‍યું છે કે, તાજેતરમાં રાજકોટમાં ટી.આર.પી. અગ્નિકાંડની દુઃખદ ઘટના બનેલ તથા આ અગાઉ સુરત તક્ષશીલામાં પણ દુઃખદ ઘટના બનેલ, જે સમગ્ર સમાજ અને તંત્ર માટે દુઃખદ અને આઘાતજનક ઘટના છે. જે દુઃખદ ઘટના બનેલ તે અન્‍વયે સરકારશ્રીના આદેશ અન્‍વયે સમગ્ર ગુજરાત રાજયમાં તમામ જાહેર સ્‍થળો હોસ્‍પિટલ, સ્‍કુલ, કોલેજ, મોલ વિગેરેમાં ફાયર સેફટી સબંધે તથા સ્‍ટ્રકચર સ્‍ટેબીલીટીની ચકાસણીની કાર્યવાહી થઈ રહેલ છે. જે કામગીરી પ્રશંસનિય છે. જેમાં મોટા ભાગની સ્‍કુલ/કોલેજમાં નિયમ અનુસારનું બાંધકામ તથા નિયમ અનુસારની ફાયર સેફટીની સુવિધા ઉપલબ્‍ધ હોવા છતાં સ્‍કુલ/કોલેજમાં સીલીંગ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ સીલ યોગ્‍ય અને પર્યાપ્ત સુવિધા હોવા છતાં ફરી કાર્યરત કરવા માટે કોઈ યોગ્‍ય માર્ગદર્શિકા ન હોય જેથી તે સબંધે યોગ્‍ય S.O.P. નકકી કરવા અપીલ કરી રહયાં છીએ.  જે અઘટિત ઘટના ઘટેલ છે તે દુઃખદ બાબત છે. પરંતુ, તાજેતરમાં જ નવું શૈક્ષણીક વર્ષ ૨૦૨૪/૨૫ તા. ૧૩/૬/૨૦૨૪ના શરૂ થઈ રહેલ છે. પરંતુ સમગ્ર રાજયની મોટાભાગની સ્‍કુલોમાં પર્યાપ્ત સુવિધા હોવા છતાં સીલીંગના કારણે સ્‍કુલો શરૂ થઈ શકે તેમ ન હોય જેથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્‍યનું વિચારવું પણ એટલું જ જરૂરી છે.

સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ગુજરાત પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ વધુમાં જણાવ્‍યું કે, સરકારશ્રીના નિયમ અનુસાર દરેક શાળા/સ્‍કુલ એ ૨૦૧૯ પછી ફાયર સેફટીના NOC મેળવેલ છે. પરંતુ ૨૦૨૩માં ને નવો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે કે જેની જાણ કોઈપણ ઓથોરીટીને સ્‍કુલોને કરવામાં આવેલ ન હોય કે તે સબંધેનું ગેઝેટ પણ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ ન હોય તેના કારણે સ્‍કુલો પાસે પર્યાપ્ત ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્‍ધ હોવા છતાં પણ સીલીંગ કરવામાં આવેલ છે તો તે સબંધે નીતિવિષયક નિર્ણય તાત્‍કાલિક લેવો જરુરી તથા ન્‍યાયી છે.

પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્‍યું કે, સરકારશ્રી દ્વારા નિતીવિષયક નિર્ણય લઈ ઈમ્‍પેકટનો કાયદો અમલમાં આવેલ હોય, હાલ કાર્યરત હોય. પરંતુ તે અંગે લાગુ જે તે સ્‍કુલોએ ઈમ્‍પેકટ ફી ભરીને પ્‍લાન રજુ કરેલ હોય તે સબંધે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાયેલ ન હોય તેમ છતાં આવી સ્‍કુલોનું પણ અનઅધિકૃત રીતે સીલીંગ કરવામાં આવી રહેલ છે. જે સ્‍કુલોએ ઈમ્‍પેકટ અનઅધિકૃત બાંધકામ મંજુર કરાવેલ હોય તેમ છતાં આવી સ્‍કુલો સીલ કરવામાં આવેલ છે. ફાયર સેફટી સબંધે જે કાયદાકિય જોગવાઈ રહેલ છે તેમાં જે બિલ્‍ડીંગ ૯ મીટર કે તેના કરતાં ઓછી ઉંચાઈ ધરાવતું હોય તો તેને સેલ્‍ફ ડેકલેરેશન આપવાનું હોય છે. આમ સેલ્‍ફ ડેકલેરેશન આપેલ હોવા છતાં પણ આવી સ્‍કુલોને સીલ મારવામાં આવેલ છે. જે સીલીંગ પ્રક્રિયા અનઅધિકૃત રીતે હાથ ધરવામાં આવી રહેલ છે.

ઉપરોકત રજુઆતને ધ્‍યાને લેવામાં આવે તો, ફાયર સેફટીના મુદ્દે તથા બિલ્‍ડીંગ સબંધે નિયમ અનુસારની પરિસ્‍થિતિ હોવા છતાં યોગ્‍ય માર્ગદર્શિકા ન હોવાના કારણે માત્ર સીલીંગ પ્રક્રિયા કરવામાં આવી રહેલ હોય. પરંતુ આ સીલીંગ પ્રક્રિયા ખોલવા સબંધે કોઈ S.O.P. ન હોય તો તે અંગે તાત્‍કાલિક નિર્ણય લઈ ગુજરાત રાજયના લાખો વિદ્યાર્થીઓ/વાલીઓના હિતમાં એટલે કે પબ્‍લિક એટ લાર્જ ઈન્‍ટરેસ્‍ટ યોગ્‍ય નિર્ણય લઈ સમગ્ર સમાજમાં અને શિક્ષણજગતમાં અરાજકતા ઉભી ન થાય તે અંગે નિર્ણય લઈ ઘટતું કરવા અંતમાં પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ અપીલ કરી છે.

(2:58 PM IST)