News of Tuesday, 11th June 2024
પત્નિ ઘર છોડીને જતી રહેતાં વિયોગમાં મયુર દાવડાએ ઝેરી દવા પી દુનિયા છોડી
કોઠારીયા રોડ વિનોદનગરનો બનાવઃ યુવાન વિધવા માતાનો આધારસ્તંભ હતો

રાજકોટ તા. ૧૧: કોઠારીયા રોડ પર વિનોદનગરમાં રહેતાં યુવાનની પત્નિ ઘર છોડીને જતી રહેતાં અને શોધખોળ કરવા છતાં તેનો અતોપત્તો ન મળતાં વિયોગમાં આ યુવાને ઝેર પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ વિનોદનગર-૨માં રાધામીરા હોલ પાછળ રહેતાં મયુરભાઇ ચંદુભાઇ દાવડા (ઉ.વ.૩૨) નામના યુવાને ગઇકાલે ઝેરી ટીકડીઓ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે સવારે તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ મારફત જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના ડી. વી. બાલાસરા અને સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.પરિવારજનોના કહેવા મુજબ આપઘાત કરનાર મયુરભાઇ સબ મર્શીબલ પંપનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પિતા હયાત નથી. તે એક બહેનથી નાનો અને વિધવા માતાનો આધારસ્તંભ હતો. તેણે શિતલ નામની યુવતિ સાથે દોઢેક વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતાં. ત્રણેક મહિના પહેલા પત્નિ શિતલ ઘરે કોઇને કંઇ જાણ કર્યા વગર નીકળી ગઇ હતી. તેની સતત શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં મયુરભાઇ ચિંતામાં રહેતો હતો. વિયોગ સહન ન થતાં આ પગલુ ભરી લીધું હતું.
(2:52 PM IST)










