તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
જિલ્લા પંચાયત હસ્તકની તમામ ૮૫૦ પ્રાથમિક શાળાઓ ફાયર સુવિધાથી સજ્જ
ગુરૂવારથી વેકેશન ખૂલશે : સીલ લાગેલી સ્વનિર્ભર શાળાઓ શરૂ થવા અંગે અનિશ્ચિતતા

રાજકોટ તા. ૧૦ : જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં તા. ૧૩થી વેકેશન ખૂલી રહ્યું છે. શાળાઓ ફરી બાળકોથી ગુંજી ઉઠશે. રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડના પગલે સરકારની તમામ શાળાઓમાં ફાયર સેફટી બાબતે તપાસ કરવામાં આવેલ. પંચાયતના વિસ્તારમાં આવતી કેટલીક શાળાઓ ફાયર સેફટીના મુદ્દે સીલ કરવામાં આવેલ. તે શાળાઓના સીલ ખૂલશે તો શરૂ થઇ શકશે. સરકારની શાળાઓ ફરી ધમધમતી થઇ જશે.
પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં ૮૫૦ સરકારી પ્રાથમિક શાળાઓ આવે છે. તે તમામમાં ફાયર સુવિધા છે. અમૂક ઉંચાઇથી વધુ ઉંચાઇની શાળાઓ હોય ત્યાં ફાયર એન.ઓ.સી.ની જરૂર પડે છે. જ્યાં જરૂર હતી ત્યાં એન.ઓ.સી. લેવાઇ ગયા છે. આગ લાગે તો ત્વરિત બુઝાવી શકાય તે માટે બધી શાળાઓને અગ્નિશમન સાધનોથી સજ્જ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓ ચાલુ થયા બાદ તા. ૨૭ થી ૨૯ જૂન શાળા પ્રવેશોત્સવ આવી રહ્યો છે.
(3:56 PM IST)










