તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
મનપા દ્વારા હોલને સીલ કરાયો છતાં તેનો ઉપયોગ કરનાર માલીક સહિત બે સામે ગુનો
ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાયેલા હોલમાં શ્રીમંતનો પ્રસંગ ચાલતો હતોઃ આજીડેમ પોલીસે તપાસ હાથધરી

રાજકોટઃ તા.૧૦: ગોંડલ રોડ ચોકડી રોલેક્ષ રોડ પર આવેલા લીલાવંતી કોમ્યુનીટી હોલને ફાયર સેફટી અંગેની સીસ્ટમ અને બીજી પરમીશન નહી હોવાથી મનપાના સ્ટાફે સીલ કરી દીધા બાદ હોલના પાછળના દરવાજોને ખોલી તેનો ઉપયોગ શરૂ કરાતા હોલના માલીક તથા બુકીંગ સાથે સંકળાયેલી મહિલા સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ટીઆરપી અગિ્નકાંડને પગલે હોસ્પિટલો, જુદી જુદી ઇમારતો, ટયુશન કલાસીસ, મોલ, શોપીંગ કોમ્પલેક્ષ,સિનેમા હોલ, ધાર્મીક સ્થળો, વોટર પાર્ક ઉપરાંત જયાં મોટી સંખ્યામાં પબ્લીક એકત્રીત થતી હોઇ અને ફાયર એનઓેસી ન હોઇ તેવી મીલ્કતોને મનપા દ્વારા હાલ સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના પગલે મનપાના કમિશ્નરે બનાવેલી ટીમ દ્વારા તા. ૬ ના રોજ રોલેક્ષ રોડ પર આવેલા લીલાવંતી કોમ્યુનીટી હોલમાં તપાસ કરવામાં આવી હતી. તે વખતે ફાયર સેફટી અંગેની સિસ્ટમ, બીજી પરમીશન અને ફાયર એનઓસી નહી હોવાનું જણાતા વોર્ડ ઓફીસર વગેરેએ હોલને સીલ કરી દીધું હતું. જે અંગે હોલના માલીક હર્ષદ પ્રતાપભાઇ સગર અને હોલના બુકીંગનું કામ સંભાળતા માધવીબેન એચ તન્ના ને જાણ કરી સીલીંગના હુકમ પર સહી પણ લેવામાં આવી હતી. પરમદિવસે લીલાવંતી હોલમાં પ્રસંગની તૈયારી માટે માણસો ભેગા થવાનું જાણવા મળતા મનપાનો વોર્ડનો સ્ટાફ ત્યાં પહોંચી તપાસ કરતા હોલની પાછળની શેરીમાં આવેલો ગેઇટ ખુલ્લો જોવા મળ્યો હતો. જયાં માણસો પણ હાજર હતા. બાદ અંદર જઇ તપાસ કરતા પાછળના બંને ગેઇટના તાળા અંદરથી ખોલી નખાયાનું જાણવા મળતા ગઇકાલે કોઠારિયા રોડ પરના ફાયર સ્ટેશનના ઓફીસર અમીતભાઇ દવે એ આજીડેમ પોલીસ મથકમાં હોલના માલિક અને બુકીંગનું કામ કાજ સંભાળતી મહિલા સામે આઇપીસી ૩૩૬, ૧૧૪, હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા હેડકોન્સ જે.એમ. બોસીયા સહિતે તપાસ હાથ ધરી છે.
(3:49 PM IST)










