News of Monday, 10th June 2024
દિવસે ભંગારીયાનો સ્વાંગ રચી સાઇટ પર રેકી કરતાં, અને રાતે ચોરીઃ 4 મહિલા સહિત 6ની ટોળકી ઝડપાઇ
ગ્રીનલેન્ડ ચોકડીએ સેવન સ્કવેર બિલ્ડીંગની સાઇટ પરથી ચોરાયેલા 2.89 લાખના કેબલની ચોરીનો ભેદ ખુલ્યો જામનગરની પૂજા, સંગીતા, રાજકોટ કુબલીયાપરાના સોનલ, લક્ષ્મી, અજય અને શિવાજીનગરના સાગરને બી-ડિવીઝન પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ કે. ડી. મારૂની ટીમે પકડી હેડકોન્સ. રાજેશભાઇ બાળા, ક્પિાલસિંહ જાડેજા, કોન્સ. રાજદિપભાઇ પટગીર અને પંકજભાઇ માળીની બાતમી

રાજકોટ તા. 10: શહેરમાં ચોરીના બનાવો બનતા અટકાવવા અને આવા ગુના બન્યા હોય તે ડિટેક્ટ કરવા સુચના મળી હોઇ બી-ડિવીઝનની ટીમે તાજેતરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે સેવન સ્કવેર નામના બિલ્ડિંગની સાઇટ પરથી ચોરાયેલા નવેનવા વાયરિંગ કામ માટેના રૂા.2.89 લાખના 119 બંડલ કેબલની ચોરીનો ભેદ ઉકેલી જામનગરની બે મહિલા, રાજકોટની બે મહિલા અને બે પુરૂષ મળી 6ની ટોળકીને ઝડપી લીધી છે. દિવસે આ ટોળકી ભંગારીયાનો સ્વાંગ રચી નવી બાંધકામની સાઇટો પર પહોંચી રેકી કરતી હતી અને રાતે જે કિંમતી સામાન મળે તે ચોરી કરી લેતી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મવડી વિસ્તારમાં કૈલાસ પાર્ક વિસ્તારમાં રહેતા વિજયભાઈ ગીરધરભાઈ વેકરિયાએ ‘સેવન સ્કવેર' બિલ્ડીંગનું વાયરિંગનું કામ રાખ્યું હતું અને આ બિલ્ડિંગમાં પહેલા માળે વાયરના બંડલો રાખ્યા હતા. ગત તા.3ના રોજ આ બિલ્ડિંગમાં અજાણ્યા શખ્સોએ સીડી ગાળાના દરવાજામાં લાકડાની પ્લાઈ તોડી અંદર પ્રવેશી રૂા.2,89,950ની કિંમતના આ 119 બંડલોની ઉઠાંતરી કરી લીધી હતી. આ બાબતે વિજયભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ કે. ડી. મારૂ અને ટીમ કામે લાગી હતી. એ દરમિયાન હેડકોન્સ. રાજેશભાઇ બાળા, ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ. રાજદિપભાઇ પટગીર અને પંકજભાઇ માળીને મળેલી બાતમી પરથી 4 મહિલા સહિત 6ની અટકાયત કરી હતી.
ઝડપાયેલાઓને પોતાના નામ અજય ઉર્ફે કાળીયો રાયધન સોલંકી (ઉ.વ.24-રહે. કુબલીયાપરા-5), સાગર અમળતભાઈ વઢીયારા (ઉ.વ.23-રહે. ભાવનગર રોડ શિવાજીનગર-12), પૂજા ઉદલભાઇ પરમાર (ઉ.વ.20-રહે. જામનગર દિગ્જામ સર્કલ બાવરીવાસ), સંગીતા રાજુ કોસ્ટી (ઉ.વ.24-રહે. જામનગર સિવિલ હોસ્પિટલ પાછળ નવાગઢ) તથા સોનલ રાયધન સોલંકી (ઉ.વ.20-રહે. કુબલિયાપરા-5), લક્ષ્મી વિજયભાઈ સોલંકી (ઉ.વ.21-રહે. કુબલિયાપરા-5) જણાવ્યા હતાં. આ છએયની વિશીષ્ટ ઢબે પુછતાછ કરતાં ચોરાઉ કેબલ કાઢી આપ્યો હતો. કેબલ વેંચવા માટે ગ્રાહક શોધવાની વેતરણમાં હતાં ત્યાં પોલીસ આવી ગઇ હતી. આ ટોળકી દિવસે ભંગારીયાના સ્વાંગમાં અલગ અલગ સાઇટ પર આટાફેરા કરી રેકી કરી રાતે ચોરી કરવા પહોંચી જતી હતી.
અપહરણના આરોપીને ગણતરીના કલાકોમાં પકડયો
બી-ડિવીઝન પોલીસે અપહરણનો એક આરોપી પણ પકડી લીધો છે. એક તરૂણીનું ગઈકાલ તા.8ના રોજ અપહરણ થયાની ઘટનામાં ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સિસની મદદથી આ ગુનો ડિટેક્ટ કરાયો છે. ભોગ બનેલી તરૂણીના પિતાએ શનિવારે તા.8ના રોજ પોતાની પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ કરી હતી અને શકમંદ તરીકે ભગવતીપરા જયપ્રકાશ સોસાયટીમાં રહેતા રોહિત ઉર્ફે રોહન મહેશભાઈ લોલાડિયા (ઉ.વ.18)નો ઉલ્લેખ કર્યો હતો. જેને ઝડપી લેવાયો છે. અલગ-અલગ ટીમો બનાવી દરેક ટીમને અલગ- અલગ દિશાએ આરોપીની શોધખોળ માટે રવાના કરવામાં આવી હતી. જેમાંથી એક ટીમે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે આરોપીને ઓળખી લીધો હતો. બીજી ટીમ સગા વહાલા, મિત્રોની તપાસમાં અને ત્રીજી ટીમ ભોગ બનનારના મોબાઈલ નંબર બાબતે તપાસમાં હતા. આ ટીમવર્ક દ્વારા આરોપી અને તરૂણીની ગણતરીની કલાકોમાં શોધી લીધી હતા.
આ બંને કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ કે. ડી. મારૂ, હેડકોનસ. ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ બાળા, લાલજીભાઇ હાડગડા, કોન્સ. જયદિપસિંહ બોરાણા, ભાનુશંકર ધાંધલા, પંકજભાઇ માળી, રાજદિપભાઇ પટગીર, પોપટભાઇ ગમારા, હોમગાર્ડ રવિરાજસિંહ જાડેજા સહિતે કરી હતી.
(3:14 PM IST)










