<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

પ્રિ-સ્‍કુલોમાં ડ્રાઇવના નામે કનડગત

તપાસ ફાયર એન.ઓ.સી. ના નામે કરવા આવે અને સવાલ બીયુપીનો ઉઠાવે? : કોઇપણ કારણે પ્રિ-સ્‍કુલ સંચાલકોને હેરાન કરવાની જ મુરાદ કે શું? : હાલ એડમિશનનો સમયગાળો છે તેવા સમયે નોટીસ લગાવી જતા હોવાથી વાલીઓમાં પણ ગભરાટ સર્જાતો હોવાની વ્‍યથા ઠાલવતા પ્રિ-સ્‍કુલ સંચાલકો

રાજકોટ તા. 10 : હાલ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફાયર એન.ઓ.સી.ની તપાસના નામે ઠેર ઠેર ડ્રાઇવ ચાલી રહી છે. પરંતુ પ્રિ-સ્‍કુલવાળાઓને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનું પ્રિ-સ્‍કુલ મેનેજમેન્‍ટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્‍યુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રિ-સ્‍કુલ મેનેજમેન્‍ટ એસોસીએશનના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રિ-સ્‍કુલને રજીસ્‍ટ્રેશન કરાવવા માટે ફેબ્રુઆરી -202પ સુધીનો સમય અપાયો છે. તેમ છતા રાજકોટમાં બનેલી આગ દુર્ઘટનાને પગલે જે તપાસો શરૂ કરવામાં આવી છે. તેમાં પ્રિ-સ્‍કુલના એકમોને ત્‍યાં પણ તપાસો શરૂ કરાઇ છે. તેની સામે કોઇ વાંધો ન હોય શકે, પરંતુ તપાસ ફાયર એન.ઓ.સી. બાબતે કરવા આવે છે અને છેલ્લે બિલ્‍ડીંગ યુઝ પરમિશન (બી.યુ.પી.)નો મુદ્દો ઉઠાવી સીલ મારીને જતા રહે છે.

જો બી.યુ.પી.નો સવાલ ઉઠાવાતો હોય તો પણ જીડીસીઆર મુજબ રેસીડેન્‍સીયલમાં ગણાય છે. બીજી વાત એ કે 100 થી વધુ સંખ્‍યા હોય તો આ સવાલ ઉઠી શકે. પરંતુ પ્રિ-સ્‍કુલોમાં તો આટલી સંખ્‍યા હોતી નથી. છતા સીલ મારી જાય છે. મસ્‍ટરમાં હાજરી કે કઇ ચેક કર્યા વગર નોટીસ મારીને જતા રહે છે. માત્રને માત્ર પ્રિ-સ્‍કુવાળાઓને હેરાન કરવાનો જ ટાર્ગેટ રખાયો હોય તેવુ આ ડ્રાઇવમાં જોવા મળી રહ્યાનું પ્રિ-સ્‍કુલ સંચાલકોએ જણાવ્‍યુ હતુ.

છેલ્લા 10 દિવસની અંદર ઘણી બધી પ્રિ-સ્‍કુલોને સીલ લગાવી દેવાયા છે.  હકીકતે તેમની પાસે જીડીસીઆર મુજબ રહેણાંક બી.યુ. સર્ટીફીકેટ તો હોય જ છે પરંતુ નિયમોની ઐસી તૈસી કરીને કોમર્શીયલ ગણીને સીલ મારી દેવામાં આવે છે.

એક તો હાલ એડમીશનનો સમયગાળો છે. એટલે પ્રિ-સ્‍કુલોમાં વાલીઓની અવર જવર ચાલુ હોય છે. આવા સમયે જ મહાનગરપાલીકાના તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવતા હોવાથી વાલીઓ પણ ગભરાઇને જતા રહેતા હોવાની વ્‍યથા પ્રિ-સ્‍કુલ સંચાલકોએ વ્‍યકત કરી હતી. જો આવુ જ ચાલ્‍યુ તો 90% પ્રિ-સ્‍કુલો બંધ થઇ જવાની ભીતી છે. વળી આ પ્રિ-સ્‍કુલ બંધ થશે તો તેમાં કામ કરતા 4 હજાર જેટલા બહેનો-કર્મચારીઓની રોજી રોટીનો સવાલ પણ ઉઠી શકે છે. તેમ પ્રિ-સ્‍કુલ સંચાલકોએ જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રિ-સ્‍કુલ મેનેજમેન્‍ટ એસોસીએશન રાજકોટના સર્વશ્રી નિખિલભાઇ વાડોદરીયા, ચિરાગભાઇ સાકરીયા (મો.90990 66360), મિલનભાઇ દોશી (મો.94286 20101), વિશાલભાઇ મહેતા, રમેશચંદ્ર પટેલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:54 PM IST)