News of Monday, 20th April 2026
૮ વર્ષની બાળાને ચોકલેટની લાલચ દઇ રૂમમાં પુરી ૬૫ વર્ષના વિનુડોસાની વિકૃત હરકતો
ડઘાઇ ગયેલી બાળાએ ઘરે વાત કરતાં ડોસાની ધોલધપાટઃ કુવાડવા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કટલેરીના ધંધાર્થી વૃધ્ધ સામે કડક કાર્યવાહી કરીઃ પોતાને અજાણ્યાએ માર માર્યાની વૃધ્ધની વળતી ફરિયાદ

રાજકોટ તા. ૨૦: શહેરમાં વધુ એક હવસખોરીની ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં કુવાડવા તાબેના ગામમાં રહેતાં ૬૫ વર્ષના ડોસાએ ૮ વર્ષની બાળકી પર નજર બગાડી હતી. ચોકલેટ અપાવી દેવાના બહાને આ બાળાને ડોસાએ લઇ જઇ વિકૃત હરકતો કરતાં તેને લોકોએ બેફામ ધોલધપાટ કરી હતી. પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આ વૃધ્ધ સામે કાર્યવાહી કરી છે. તો આ વૃધ્ધે પણ પોતાને અજાણ્યાએ માર માર્યાની વળતી ફરિયાદ દાખલ રાવી છે.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માલીયાસણમાં રહેતાં વિનુ કરસનભાઇ કુંડલા ઉ.વ.૬૫) નામના કુંભાર વૃધ્ધ વિરૂધ્ધ બાળકીના વાલીની ફરિયાદ પરથી પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. આ વૃધ્ધ કટલેરીનો ધંધો કરે છે. રવિવારે બપોરના અરસામાં આ વૃધ્ધે ૮ વર્ષની બાળકી કે જે રમી રહી હતી તેને ચોકલેટ આપવાના બહાને પોતાની પાસે બોલાવી હતી. આ પછી તે બાળકીને ઘરમાં લઇ ગયો હતો અને કપડા ઉતારી વિકૃત હરકતો કરી હતી. પોતાની સાથે થયેલા આવા વર્તનથી બાળકી ડઘાઇ ગઇ હતી અને ઘરે જઇ પરિવારજનોને વાત કરતાં સોૈ ચોંકી ગયા હતાં.
કુવાડવા પોલીસને જાણ થતાં પીઆઇ વી. આર. વસાવા, પીઆઇ ભગોરા સહિતે તુરત જ કાર્યવાહી કરી પોક્સો હેઠળ ગુનો નોંધી વૃધ્ધની ધરપકડની તજવીજ કરી હતી. જો કે પોલીસની આ કાર્યવાહી પહેલા રોષે ભરાયેલા લોકોએ આ વૃધ્ધને લાકડીથી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે વૃધ્ધે પણ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોતાને મારકુટ થયાની વળતી ફરિયાદ દાખલ કરાવી છે. વૃધ્ધની માસુમ બાળા સાથે આવી હરકતને પગલે ગામમાં ચકચાર મચી ગઇ છે. આ વિકૃત ડોસા સામે આકરી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
(2:13 PM IST)










