News of Saturday, 25th July 2026
૬૩ ટ્રેકટર, ૨૫ ટ્રોલી, ૦૨ જેસીબી ભાડેથી લઇ જઇ રાજકોટ, જુનાગઢ, જામનગર, મધ્યપ્રદેશમાં વેંચી દેતી ટોળકી ઝડપાઇ
અરવલ્લી એલસીબીનો ધડાકોઃ માલપુર, મેઘરજ, દાહોદના જાલોદના ગામડાઓમાંથી ખેડુતોને સારું ભાડુ મળશે કહી ભાડાકરારથી વાહનો મેળવી ઠગાઇ કરવામાં આવી હતી ૬ શખસો ઝડપાયાઃ ૦૫ વોન્ટેડઃ અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એલસીબીના એમ. એચ. ઝાલા, માલપુર પીઆઇ પરમાર, મેઘરજ પીઆઇ નિનામા અને ટીમની કામગીરીઃ ૧ કરોડ ૨૧ લાખના વાહનો કબ્જે

રાજકોટ તા. ૨૫: અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત દાહોદના ઝાલોદ વિસ્તારમાં ખેડૂતોને ઊંચા ભાડાની લાલચ આપી ટ્રેક્ટર, ટ્રોલી અને જેસીબી મેળવી પુર્વ આયોજિત કાવતરૂં રચી ઠગાઈ આચરતી શાતર આંતરજિલ્લા ગુંડા ટોળકીનો અરવલ્લી જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી ખાસ ઝુંબેશમાં પોલીસે ૬ રીઢા ગુનેગારોની ધરપકડ કરી કુલ રૂ. ૧,૨૧,૭૫,૦૦૦ની કિંમતના વાહનો કબ્જે કરાયા છે. છ શખ્સોને પકડી બાકીના પાંચની શોધખોળ શરૂ થઇ છે. ઠગાઇથી મેળવેલા ટ્રેકટર, ટ્રોલી, જેસીબી આ ટોળકી રાજકોટ, જુનાગઢ, જામનગર અને એમપીમાં ગીરવે મુકી અથવા ઓછા ભાવે વેંચી મારી રોકડી કરી લેવામાં આવતી હતી.
પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા માલપુર, મેઘરજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો તેમજ ટ્રેક્ટર માલિકોનો સંપર્ક કરવામાં આવતો હતો. ખેડૂતોને પોતાના ટ્રેક્ટરો સોલાર કંપનીઓમાં તથા કન્સ્ટ્રક્શન સાઇટો પર ઊંચા માસિક ભાડા-દરે રાખવાની આકર્ષક લાલચ આપવામાં આવતી હતી. આ માટે વિધિવત ભાડા કરાર પણ કરવામાં આવતા. પરંતુ કરાર કર્યા બાદ આરોપીઓ ખેડૂતોને નિર્ધારિત ભાડું ચૂકવતા ન હોતા અને ટ્રેક્ટર પણ પરત આપતા ન હતા. ત્યારબાદ આ વાહનો અન્ય સહ-આરોપીઓ સાથે મિલાપીપણું રચી ત્રીજી પાર્ટીઓને ગીરો મૂકી કે ઓછી કિંમતમાં ગેરકાયદેસર રીતે વેચી દઈ આર્થિક લાભ મેળવતા હતા. આ કાવતરૂ તા. ૧૭/૧૨/૨૦૨૫ થી તા. ૧૫/૦૭/૨૦૨૬ દરમિયાન મોટા પાયે આચરવામાં આવ્યું હતું.
આ બનાવ અંગે માલપુર અને મેઘરજ પોલીસ મથકે ગુના નોંધાતાં જ એલ.સી.બી. અરવલ્લી-મોડાસાના પો.ઇન્સ. એમ.એચ. ઝાલા, માલપુર પો.ઇન્સ. ડી.સી. પરમાર અને મેઘરજ પો.ઇન્સ. એ.એન. નિનામાની રાહબરી હેઠળ અલગ અલગ ત્રણ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઊંડાણપુર્વક તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ છળકપટથી મેળવેલા વાહનો અરવલ્લી ઉપરાંત રાજકોટ, જામનગર, જુનાગઢ જિલ્લાઓ તેમજ પડોશી રાજ્ય મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં પણ ગીરવે મુકી દીધા હતા અથવા વેંચવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ ૪૩ ટ્રેક્ટરો, ૧૫ ટ્રોલી અને ૧ જેસીબી પૈકી માલપુર અને મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારના ૧૭ ટ્રેક્ટર, ૧૦ ટ્રોલી અને ૧ જેસીબી કિંમત રૂ. ૧,૧૭,૭૫,૦૦૦ તથા ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ૩ ટ્રેક્ટર કિંમત રૂ. ૧૦,૫૦,૦૦૦ મળી કુલ ૨૦ ટ્રેક્ટર, ૧૦ ટ્રોલી અને ૧ જેસીબી સહિત કુલ રૂ. ૧,૨૧,૭૫,૦૦૦નો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે.
ઝડપાયેલા આરોપીઓમાં વિજય રાધાભાઈ (રહે. પ્રાંતવેલ, તા. બાયડ, જી. અરવલ્લી), સુનીલ કાલાભાઈ પરમાર (રહે. પ્રાંતવેલ, તા. બાયડ, જી. અરવલ્લી), પ્રવિણ કનકાભાઈ મસાર (રહે. લાલજીના પહાડીયા, તા. માલપુર, જી. અરવલ્લી), કનુ જશુભાઈ પાંડોર (રહે. ગોવિંદપુર, તા. માલપુર, જી. અરવલ્લી), વિપુલ ઉર્ફે રાણા રણછોડભાઈ લાલાભાઈ ભરવાડ (રહે. શેઢા (પીપોદરા), તા. સાઠંબા, જી. અરવલ્લી) અને કનુ ઉર્ફે કાલીયો રામસિંગભાઈ ભરવાડ (રહે. ક્રિષ્ણાપુરા (ખરોડ), તા. વિરપુર, જી. મહીસાગર) સામેલ છે.
જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ઉમંગ પટેલ (રહે. ઉપલેટા, રાજકોટ ગ્રામ્ય - ટ્રેક્ટર લેનાર સહ આરોપી), યોગેશ રામભાઈ આહીર (રહે. કૂડોચ, તા. ઉપલેટા - ટ્રેક્ટર ભાડે આપનાર સહ આરોપી), રાઘવ ભરવાડ (રહે. મોડાસા ડુંગરવાડા - ટ્રેક્ટર ભાડે આપનાર સહ આરોપી), (૪) રૂદન બચુભાઈ ભરવાડ (રહે. ખલીકપુર, તા. માલપુર - ટ્રેક્ટર ભાડે આપનાર સહ આરોપી) અને (૫) મહમંદસોહિલ જાનમહમંદ મેમણ (રહે. વડાલી જવાહર ગલી), તા. વડાલી, જી. સાબરકાંઠા)ના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.
ઝડપાયેલા આરોપીઓ પૈકી વિજયભાઈ અને સુનિલ વિરૂધ્ધ અગાઉ બાયડ પોલીસ સ્ટેશનમાં, પ્રવિણ અને કનુ વિરૂધ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં ચેક રિટર્નના ગુના નોંધાયેલા છે. જ્યારે વિપુલ ઉર્ફે રાણા વિરૂધ્ધ બાયડ પોલીસ સ્ટેશનમા દારૂના ગુનાઓ છે. હાલમાં માલપુર, મેઘરજ અને ઝાલોદ પોલીસ દ્વારા આ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી કૌભાંડની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષકમનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ ે એલ.સી.બી. અરવલ્લીના પોલીસ ઇન્સપેક્ટરએમ.એચ. ઝાલા, માલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.સી. પરમાર અને મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.એન. નિનામાએ મુખ્ય રાહબરી પૂરી પાડી હતી. આ કામગીરી માટે રચાયેલી સ્પેશિયલ ટીમોમાં એલ.સી.બી. અરવલ્લીના પોલીસ સબ ઇન્સપેક્ટરવી.ડી. વાઘેલા, વી.જે. તોમર અને પી.પી. સોલંકી તેમજ માલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટરજી.આર. ચૌધરી અને મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.કે. ચાવડા સામેલ છે.
(3:26 PM IST)










