તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
માધવ વાટિકા પાસે ફટાકડાના તણખાથી આગમાં ૬ કાર ખોખા થઇ ગઇઃ અડધા કરોડનું નુકસાન
મવડી અને કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમોએ ત્રણ ફાયર ફાઇટરોની મદદથી આગ કાબુમાં લીધીઃ પ્લોટમાં પાર્ક કરાયેલી અન્ય ૫૦ જેટલી કાર બચાવી લેવાઇ

રાજકોટ તા. ૭: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગરના ટાંકા પાસેથી કર્મચારી સોસાયટી તરફ જતા રસ્તા પર આવેલી માધવ વાટિકા સોસાયટી, શેરી નંબર-૨ પાસેના જાહેર પ્લોટમાં સાંજે ફટાકડાના તણખાથી આગ ભભૂકતાં અહિ પાર્ક કરાયેલી સોસાયટીના રહેવાસીઓની અનેક કાર પૈકી છ મોંઘીદાટ કારમાં આગ ફેલાઇ જતાં આ કાર ખોખા જેવી થઇ જતાં આશરે અડધા કરોડની નુકસાની થઇ છે. જાહેર પ્લોટમાં ર્પાકિંગમાં રાખવામાં આવેલ ફોર-વ્હીલર કારોમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મવડી ફાયર સ્ટેશન અને કોઠારીયા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, જેથી બંને ફાયર સ્ટેશનના ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલી ફાયર ટીમોએ જોયું કે અંદાજે ૬ જેટલી ફોર-વ્હીલર કારે આગની લપેટમાં આવી ચૂકી હતી. આગને કાબૂમાં લેવા માટે બે ફાયર સ્ટેશનના કુલ ૩ ફાયર ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવાયો હતો અને આગ બુઝાવી દેવામાં આવી હતી. જેમાં પાંચ કાર સંપુર્ણપણે બળી ગઈ હતી જ્યારે એક કારના પાછળના ભાગને નુકસાન થયું હતું અને કારનો આગળનો ભાગ બચાવી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં અંદાજે ૫૦ જેટલી અન્ય ફોર-વ્હીલર કારો પણ આજુબાજુ પાર્ક કરવામાં આવી હતી. બંને ફાયર સ્ટેશનની ટીમોએ સમયસર અને અસરકારક કામગીરી કરી આગને અન્ય પાર્ક કરેલી કારો સુધી પ્રસરી અટકાવી હતી.
જેના પરિણામે અંદાજે રૂ. ૫ થી ૬ કરોડની કિંમતની અન્ય ફોર-વ્હીલર કારોને આગથી બચાવી લેવામાં આવી હતી. તેમજ ઘટનાસ્થળની આજુબાજુ આવેલી રહેણાંક સોસાયટીઓમાં આગ -સરી અટકાવવાથી મોટી સંભવિત જાનહાની ટળી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.
આગમાં મહેશભા રાઘવભાઇ રૈયાણીની ૧૨ લાખની વિક્ટોરિયસ કાર નંબર જીજે૦૩પીઆર-૮૪૬૭, હંસરાજભાઇ ગાંડાલાલ કતબાની જીજે૦૩એલએમ-૭૨૩૮ નંબરની ૭ લાખની સ્વીફટ કાર, અશોકભાઇ ભીખાભાઇ પેથાણીની રૂા. ૭ લાખની જીજે૦૩પીજે-૮૬૧૯ નંબરની ઓરા કાર, જય ગોૈતમભાઇ સોરઠીયાની જીજે૦૩જપીઆર-૫૭૨૧ નંબરની ૨૦ લાખની હેરીયર કાર, મનિષભાઇ પ્રજાપતિની જીજે૦૩એમએલ-૭૫૩૦ નંબરની ૫ લાખની સોનેટ કીયા કાર અને મુકેશભાઇ રચુભાઇ નિમાવતની જીજે૦૩ક્યુડી-૫૮૨૧ નંબરની એક લાખની નેક્સોન કાર બળીને ખોખા થઇ જતાં બાવન લાખની નુકસાની થઇ હતી.
સોસાયટીના પ્રમુખ મહેન્દ્રસિંહ વાઘેલાના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાનો તણખો જાહેર પ્લોટમાં પાર્ક કરેલી કાર પર પડવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આગ બુઝાવવાની આ કામગીરીમાં મવડી ફાયર સ્ટેશન તરફથી સ્ટેશન ઓફિસર આનંદભાઈ બારીયા, લીડિંગ ફાયરમેન નરેશભાઈ પટેલ તેમજ ફાયર ઓપરેટરો હર્ષદભાઈ સોલંકી, મનસુખભાઈ વડેશાણીયા, ધવલભાઈ સોઢા, અશ્વિનભાઈ વડેશાણીયા, શક્તિસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ નાકિયા, દિપાલસિંહ સોલંકી, પિયુષભાઈ વાડલિયા, મહેશભાઈ રોજસરા અને કિશનભાઈ ડાલી તેમજ કોઠારીયા ફાયર સ્ટેશનના ઓફિસર પરેશભાઈ ચુડાસમા, લીડિંગ ફાયરમેન અનિલભાઈ એલ. સોલંકી તેમજ ફાયર ઓપરેટરો જયેશભાઈ ડાકી, અનિલભાઈ કે. સોલંકી, મહેશભાઈ પરમાર, અજયભાઈ ઓડકીયા, જયદીપભાઈ સરવૈયા, મેહુલભાઈ ચિહલા અને ડ્રાઇવર પ્રતાપભાઈ ડાંગર સહિતે જહેમત ઉઠાવી હતી.
(2:43 PM IST)










