<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ત્રિવેણી સંગમ વચ્ચે ભારવિ ભાષારચના વિચારમંચની ૫૨મી બેઠક સંપન્ન : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ફાધર્સ ડે અને વિશ્વ સંગીત દિવસની ભવ્ય શાબ્દિક ઉજવણી

જાણીતા દિવંગત સાહિત્યકાર રાજુ પટેલને ભાવપૂર્ણ સ્મરણાંજલિ અપાઈ : વિજ્ઞાનવાર્તાનું પઠન, સાહિત્ય-વિજ્ઞાનનું સામંજસ્ય, આધ્યાત્મિક ચિંતન અને નિસર્ગોપચાર સહિતના વિવિધ વિષયો પર તજજ્ઞોની રસપ્રદ પ્રસ્તુતિ

રાજકોટ: સામાન્ય રીતે પ્રત્યેક મહિનાના બીજા રવિવારે યોજાતી ભારવિ ભાષારચના વિચારમંચની બેઠક આ વખતે અમુક કારણોવશાત ત્રીજા રવિવારે યોજાઈ હતી. આ ફેરફારના કારણે બેઠકના દિવસે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ફાધર્સ ડે અને વિશ્વ સંગીત દિવસ એમ ત્રણ વિશેષ અવસરોનો અદભુત ત્રિવેણીસંગમ રચાયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત સભ્યો દ્વારા ત્રણવાર ૐકારનો સમૂહનાદ કરીને બેઠકની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી.
બેઠકના પ્રારંભે ભારવિ મંચ પર સમયાંતરે વિવિધ પ્રસ્તુતિઓ કરનાર બાળ કલાકાર ચિ. પ્રાંશી શુક્લએ ભગવદ્દ ગીતામાંથી અમુક પવિત્ર શ્લોકોનું સસ્વર પઠન કરીને સમગ્ર વાતાવરણને પવિત્રતાથી ઝંકૃત કરી દીધું હતું. નાની વયે વિવિધ ભાષાઓની અનોખી સૂઝ ધરાવનાર પ્રાંશીની આ શાનદાર પ્રસ્તુતિને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
તાજેતરમાં ૫ જૂને દિવંગત થયેલા જાણીતા લેખક, પત્રકાર અને ભારવિ મંચના પરમ હિતેચ્છુ મિત્ર સ્વ. રાજુ પટેલ (મુંબઈ)ને બેઠકમાં ભારવિ મંચ વતી સંજય ઉપાધ્યાય દ્વારા ભાવપૂર્ણ સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમણે યાદ કર્યું હતું કે, રાજુ પટેલે ભારવિ મંચની શરૂઆત સમયે આયોજિત વાર્તાશિબિરમાં ખાસ મુંબઈથી આવીને સૂત્રધાર તરીકે અમૂલ્ય સેવાઓ આપી હતી. વાર્તા પ્રત્યેનો તેમનો અનન્ય લગાવ અને વિશ્વસાહિત્યના વાંચનથી પરિષ્કૃત થયેલી તેમની સૂઝનો વિશેષ ઉલ્લેખ કરાયો હતો. તેમણે મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા વિવિધ શહેરોમાં શિબિરો યોજીને તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક નવલેખકોને વાર્તા લેખન તરફ વાળ્યા હતા અને વાર્તા સામયિક “વારેવા” શરૂ કરીને સાહિત્ય જગતમાં પોતાનું આગવું પ્રદાન આપ્યું હતું. આ પ્રસંગે પોતાના પિતાને અંજલિરૂપે લખાયેલા રાજુ પટેલના લેખમાંથી અમુક અંશોનું પઠન પણ કરવામાં આવ્યું હતું. કોઈપણ વ્યક્તિને ઈર્ષા થાય તેવું બહોળું મિત્રમંડળ ધરાવતા અને વિરોધી વિચારધારા ધરાવતી વ્યક્તિઓ સાથે પણ ગાઢ મિત્રતા નિભાવનારા રાજુ પટેલની વિદાયથી ભારવિ મંચે ઘેરો શોક વ્યક્ત કર્યો હતો.
બેઠકના આગલા ચરણમાં વાચિકમની યુટ્યુબ ચેનલ માટે જાણીતા હીના ગોકાણીએ શ્રદ્ધા ભટ્ટની સુંદર વિજ્ઞાનવાર્તા ‘ડ્રિમલેન્ડ’નું ભાવવાહી પઠન કર્યું હતું. સાયન્સ ફેન્ટસી પ્રકારની આ વાર્તામાં મનુષ્યના દિમાગમાં માઈક્રોચિપ બેસાડીને કમ્પ્યુટર સર્વર દ્વારા નિયંત્રિત કરાતા 'd1' નામના માનવ પ્રાણીનો વનસ્પતિ પ્રજાતિના ગુલમહોર વૃક્ષ સાથેનો સંવાદ અને ત્યારબાદ તેનામાં આવતા માનવીય લાગણીઓના પરિવર્તનની કલાત્મક રજૂઆત કરવામાં આવી હતી, જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદના વક્તા અશ્વિની જોષીએ “વિજ્ઞાન અને સાહિત્ય” વિષય પર પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપતા સમજાવ્યું હતું કે, વિજ્ઞાન અને સાહિત્ય પરસ્પર વિરોધી નથી પરંતુ એકબીજા સાથે ઊંડું સામંજસ્ય ધરાવે છે. વિજ્ઞાનના પ્રાધ્યાપક એવા અશ્વિનીબેને ફાધર્સ ડે નિમિત્તે પોતાના સાહિત્યરસને જાગૃત કરવામાં વ્યવસાયે ઈજનેર એવા પોતાના પિતાના મોટા યોગદાનનું ભાવપૂર્ણ સ્મરણ કર્યું હતું. તેમણે દૃષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું કે ભાષાના માધ્યમથી તમામ કલાઓ, વિજ્ઞાન અને અધ્યાત્મનો સુંદર વિનિયોગ થઈ શકે છે.
જાણીતા કવિ અને લેખક ઈલિયાસ શેખ પદ્યમાં યોગ વિશેની એક અનોખી અછાંદસ કવિતા અને ગદ્યમાં પોતાના પિતા વિશેનો એક હૃદયસ્પર્શી અંગત નિબંધ લઈને આવ્યા હતા. પિતાના અવસાન બાદ લખાયેલા આ નિબંધમાં પિતાની ઉદાત્ત વિચારસરણી, સામાજિક નિસ્બત અને સંતાન પ્રત્યેની અગાધ મમતા પ્રગટ થતી હતી, જેણે ફાધર્સ ડેના માહોલમાં સૌ શ્રોતાઓને પોતાના પિતાની યાદ અપાવી ભાવવિભોર કર્યા હતા. ભારવિ ટીમના સ્થાપક સભ્ય અને ઉત્તમ વાચક-ભાવક પરાગ ત્રિવેદીએ સાહિત્યની સાથે શ્રી રામકૃષ્ણ પરમહંસ પ્રેરિત સર્વધર્મ આદરની વિભાવના અંગે પોતાનું ઊંડું ચિંતન રજૂ કર્યું હતું. તેમણે સ્વામી વિવેકાનંદના ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસની આધ્યાત્મિક ઊંચાઈ અને તેમની જાણી-અજાણી વાતો ધીરગંભીર વાણીમાં રજૂ કરીને શ્રોતાઓના ચિત્તને અધ્યાત્મની એક અલગ જ દિશાનો પરિચય કરાવ્યો હતો.
મંચના વરિષ્ઠ સભ્ય મનહરભાઈ દવેએ પોતાની યુવાવસ્થામાં લખેલી પરંતુ વર્ષો સુધી અપ્રકાશિત રહેલી નવલકથા “દિવ્ય દાવાનળ” વિશે વાત કરી હતી. તાજેતરમાં તેમની પુત્રીએ આ કથા પુસ્તક સ્વરૂપે પોતાના ખર્ચે પ્રકાશિત કરી છે. મનહરભાઈએ આ પુસ્તક ઉપસ્થિત મિત્રોને એક ઉમદા શરત સાથે ભેટ આપવાની જાહેરાત કરી હતી કે, પુસ્તક લઈ જનારે ઓછામાં ઓછી ૧૧૧ રૂપિયાની ખાદ્યસામગ્રી સમાજના વંચિત બાળકોને વહેંચવાની રહેશે અને પુસ્તક વંચાઈ ગયા બાદ અન્ય વાચકને પણ આ જ શરતે આપવાનું રહેશે. તેમની આ માનવીય દૃષ્ટિને સૌએ બિરદાવી હતી.
ભારવિ મંચના અન્ય એક સ્થાપક સભ્ય અને ખજાનચી જિગીશ રાવલે, જેઓ વ્યવસાયે એકાઉન્ટ ઓફિસર હોવાની સાથે પદવીધારી નિસર્ગોપચારક પણ છે, તેમણે હળવી શૈલીમાં નિસર્ગોપચાર (Naturopathy)ના પાયાના સિદ્ધાંતો સમજાવ્યા હતા. તેમણે સ્વસ્થ શરીર માટે ઉપવાસ અને આહારવિહારના સંતુલનને જરૂરી ગણાવવાની સાથે કટોકટીના સમયે એલોપથી સારવાર અપનાવવાનું ઉદાર વલણ રાખવા પણ સૂચવ્યું હતું. બેઠકના અંતે લેખક અને વાર્તાકાર ધર્મેન્દ્રસિંહ રાઠોડે યોગ દિવસ નિમિત્તે સુખ્યાત યોગી રાજર્ષિ મુનિના યોગ ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ પ્રદાન અને ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરાવવામાં તેમની પ્રેરણા વિશે મહત્વની માહિતી આપી હતી. આગામી સમયમાં આ વિષય પર વધુ ચર્ચા કરવાની દરખાસ્ત સાથે બેઠકનું સમાપન થયું હતું. અંતમાં સમૂહતસવીર અને આઈસ્ક્રીમના આસ્વાદ સાથેની અનૌપચારિક ગોષ્ઠી બાદ આગામી બેઠકમાં મળવાના વાયદા સાથે સૌ સભ્યો છૂટા પડ્યા હતા.

(11:53 AM IST)