તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
લોકમેળામાં સ્વસહાય જૂથોને ૫૦ સ્ટોલ ફાળવાશે સખી મંડળોની વસ્તુઓ એમેઝોન- ફલીપકાર્ટ પર વેંચાશે
ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧ મંગલમ ગ્રામ હાટ શરૂ થશેઃ ૪૬ મહિલાઓને ડ્રોન પાઇલટ બનાવવા યોજના

રાજકોટ તા.૩૦: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીશ્રીએ ‘‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન'', ‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના'', ‘‘વીબી-જી-રામજી'' (વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી) અને ‘‘સ્વચ્છ ભારત મિશન''ની કામગીરીની સમીક્ષા કરી હતી.
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મંત્રીશ્રીએ સ્વસહાય જૂથની રચના, ગ્રામ સંગઠન રચના, રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, રજિસ્ટર્ડ સહકારી મંડળીઓ, કેશ ક્રેડિટ લોન અને ઈ-કોમર્સ જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
ડિસ્ટ્રિક્ટ લાઇવલીહૂડ મેનેજર શ્રી વિરેન્દ્રસિંહ બસિયાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા લોકમેળામાં સ્વસહાય જૂથો માટે ૫૦ સ્ટોલ ફાળવવામાં આવશે. જસદણ અને ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે કુલ ૧૧ ‘‘મંગલમ ગ્રામ હાટ'' શરૂ કરવાનું આયોજન છે. આગામી સમયમાં વધુ ૪૬ મહિલાઓને તાલીમ આપીને ડ્રોન પાઇલટ બનાવવામાં આવશે. કળષિ સખીઓને એક્સપોઝર વિઝિટ માટે લઈ જવા તેમજ સખી મંડળોની વસ્તુઓનું વેચાણ એમેઝોન, ફિ્લપકાર્ટ વેબસાઇટ પર વેચાણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં, મંત્રીશ્રીએ વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય, સેગ્રીગેશન શેડ, સામુહિક કમ્પોસ્ટ પીટ, સામુહિક સોક પીટ, ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ગોબર ધન કામગીરીની તાલુકાવાર સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, જનપ્રતિનિધિઓ નિયત ગામમાં જઈને આગામી તા. ૦૨ ઓગસ્ટથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. જે અન્વયે મંત્રીશ્રીએ જાહેર સ્થળોએ સાફસફાઈ કામગીરી સુચારૂરૂપે કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક (ઇન્ચાર્જ) પ્રિયાંક ગલચર, સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કો-ઓર્ડીનેટર મીનાક્ષીબેન કાચા, વીબી-જી-રામજી કો-ઓર્ડીનેટર સંજય ગામી સહિત વિવિધ તાલુકામાંથી આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, તાલુકા કો-ઓર્ડિનેટર, વિસ્તરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(11:24 AM IST)










