તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
મેળાના નામ માટે ૪૩૬૫ અરજીઃ જેમાંથી ૨૦૦ નામ શોર્ટ લીસ્ટ કરાયાઃ હવે ફાઇનલ પસંદગી થશે
મેળાનું આકર્ષક નામ શું હશે?: આ જાણવા લોકોમાં ઉત્સાહ.. : ૨૨૮ સ્ટોલ સામે ૪૧૮ ફોર્મ ભરાયાઃ સૌથી વધૂ નાની ચકરડી, મધ્યમ ચકરડી માટે ફોર્મ આવ્યા..

રાજકોટ, તા. ૩૦: સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય એવા રાજકોટના રેસકોર્સ ખાતે યોજાનારા લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાને એક આકર્ષક અને સાંસ્કળતિક થીમ આધારિત શીર્ષક (નામ) આપવા માટે વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતા પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી મેળાના શિર્ષક માટે નાગરિકો તરફથી કૂલ ૪,૩૬૫ જેટલા આકર્ષક નામોનું સૂચન મળ્યું હતું. આટલી મોટી સંખ્યામાં આવેલી એન્ટ્રીઓમાંથી શ્રેષ્ઠ નામ પસંદ કરવા માટે કલેક્ટર તંત્ર અને મેળાઓની સમિતિ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કાની સ્ક્રૂટિની બાદ ૪,૩૬૫ નામોમાંથી ૨૦૦ શ્રેષ્ઠ અને અર્થસભર નામોની પસંદગી કરવામાં આવી છે.હવે આ શોર્ટલિસ્ટ કરાયેલા ૨૦૦ નામોમાંથી આખરી નિર્ણય લેવામાં આવશે.
લોકમેળાના સત્તાવાર શીર્ષક તરીકે તેની જાહેરાત કરવામાં આવશે.જે નાગરિકનું સૂચવેલું નામ લોકમેળા માટે પસંદ કરવામાં આવશે, તેમને તંત્ર તરફથી યોગ્ય પુરસ્કાર અને સન્માન આપવામાં આવશે.સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા આ લોકમેળાનું નામ શું રાખવામાં આવશે તેને લઈને લોકોમાં ભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દરમિયાન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ ૨૨૮ સ્ટોલ અને પ્લોટ માટે સામે ૪૧૮ ફોર્મ ભરાઈને જમા થયા છે. ઉપલબ્ધ આગામી દિવસોમાં જગ્યાઓની ફાળવણી માટે ‘ડ્રો' અથવા હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.મેળવેલા તમામ ફોર્મમાં સૌથી વધુ ફોર્મ નાની અને મધ્યમ ચકરડીના પ્લોટ માટે જમા થયા છે.નાની ચકરડીમાં સૌથી વધુ ૧૮૪ અને મધ્યમ ચકરડી માટે ૬૯ ફોર્મ જમા થયા છે. આ સિવાય આઈસ્ક્રીમના ૧૭, રમકડાંના ૩૧, ખાણીપીણીના ૧૬ ફોર્મ જમા થયા છે.
(3:44 PM IST)










