<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

તરઘડીયાની કરોડોની ૪ એકર જમીન શ્રીસરકાર

વારસદારોની અપીલ નામંજૂર કરતા કલેકટરઃ શહેર-ર પ્રાંતનો હુકમ પણ યથાવત રાખ્‍યો

રાજકોટ તા. ર૬: રાજકોટ કલેકટરે તાલુકાના તરઘડિયા ગામની ચાર એકર જમીનના  લાંબા સમયથી ચાલતા વિવાદમાં વારસદારોને મોટો ફટકો આપ્‍યો છે. રાજકોટના જિલ્લા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશે વારસદારોની અપીલ નામંજૂર કરી છે અને આ જમીન અંગે અગાઉ અપાયેલા ‘શ્રીસરકાર'ના હુકમને માન્‍ય રાખ્‍યો છે. આ સાથે જ રાજકોટ શહેર-૨ પ્રાંત અધિકારી દ્વારા અગાઉ કરાયેલા હુકમને પણ યથાવત્‌ રાખવામાં આવ્‍યો છે.

 સમગ્ર મામલાની વિગતો મુજબ, વર્ષ ૧૯૭૧માં ચનાભાઈ કાનાભાઈને ખેતી કરીને ગુજરાન ચલાવવા માટે નવી અને અવિભાજ્‍ય શરત હેઠળ સાંથણીમાં આ જમીન ફાળવવામાં આવી હતી. ત્‍યારબાદ સમય જતાં વારસાઈ અને હક્ક કમીની નોંધો પડી હતી અને તેમાં વાલજીભાઈ ચનાભાઈ તેમજ સ્‍વ. ખોડાભાઈ ચનાભાઈના વારસદારોના નામ રેકર્ડ પર આવ્‍યા હતા. પાછળથી ખોડાભાઈના વારસદારોએ પ્રાંત અધિકારીના આદેશ સામે કલેક્‍ટર કચેરીમાં અપીલ દાખલ કરી હતી. અગાઉ શરતભંગની નોટિસ પરત ખેંચવાનો હુકમ થયો હતો, પરંતુ ત્‍યારબાદ રિવિઝન કેસમાં આ પ્રકરણ ફરીથી મદદનીશ કલેક્‍ટરને રિમાન્‍ડ પર મોકલવામાં આવ્‍યું હતું.

 જોકે, કલેક્‍ટર કોર્ટે નીચલી કોર્ટ અને મહેસૂલી રેકર્ડના દસ્‍તાવેજોનું ઝીણવટભર્યું પરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન એવી મહત્‍વની બાબત સામે આવી કે અલગ-અલગ સમયે તૈયાર થયેલા રોજકામમાં એક જ જમીનનો કબજો ત્રણ જુદા-જુદા સ્‍થળોએ દર્શાવવામાં આવ્‍યો છે. આ ઉપરાંત, સાંથણીના સમયથી એક જ જગ્‍યાએ સતત કબજો જળવાઈ રહ્યો હોવાના કોઈ નક્કર પુરાવા અરજદારો રજૂ કરી શકયા નહોતા અને માત્ર પાછળથી થયેલી નોંધોના આધારે જ દાવો કરાયો હતો.

(4:00 PM IST)