તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
એક દિ'માં ૯.૬૪ કરોડના ૩૪૬ વાહનોનું વેંચાણઃ મનપાને રૂ. ૨૦.૮૫ લાખની આવક
અષાઢી બીજે રાજકોટમાં નવા વાહનોની ખરીદીમાં જબરદસ્ત ઉછાળોઃ નોંધણી અને વાહન કરની આવકમાં નોંધપાત્ર વધારો : ગત વર્ષની સરખામણીએ ૬૬ વધુ વાહનોની નોંધણીઃ વાહન કરની આવકમાં રૂ. ૯.૫૦ લાખથી વધુનો વધારોઃ ૨૭૭ ટુ-વ્હીલર અને ૫૮ મોટરકારની નોંધણી

રાજકોટ તા.૧૭: અષાઢી બીજના પાવન અવસરે રાજકોટ મહાનગર પાલિકાના વેરા વિભાગમાં નવા વાહનોની નોંધણીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત વર્ષે અષાઢી બીજના દિવસે કુલ ૨૮૦ વાહનોની નોંધણી થઈ હતી, જ્યારે આ વર્ષે આ આંકડો વધીને ૩૪૬ વાહનો પર પહોંચ્યો છે. એટલે કે કુલ ૬૬ વાહનોનો વધારો નોંધાયો છે.
આ વર્ષે નોંધાયેલા વાહનોની કુલ કિંમત રૂ. ૯,૬૪,૧૬,૭૬૩ રહી છે, જે ગત વર્ષની રૂ. ૫,૭૮,૨૩,૧૬૪ની સરખામણીએ અંદાજે રૂ. ૩.૮૬ કરોડનો વધારો દર્શાવે છે. વાહન કરની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત વર્ષે રૂ. ૧૧,૩૫,૦૯૧ની આવક સામે આ વર્ષે રૂ. ૨૦,૮૫,૪૧૨ની આવક પ્રાપ્ત થઈ છે, એટલે કે અંદાજે રૂ. ૯.૫૦ લાખનો વધારો નોંધાયો છે.
આ અંગે મનપાના વેરા વિભાગમાંથી મળતી માહિતી મુજબ ગઇકાલે એટલે કે ૧૭ જુલાઇના અષાઢી બીજના દિવસે સૌથી વધુ ૨૭૭ ટુ-વ્હીલરની ખરીદી થઈ હતી. તેમાં ૨૭૬ પેટ્રોલ ટુ-વ્હીલર અને અન્ય ઇંધણ શ્રેણીનું એક ટુ-વ્હીલર સામેલ છે. ટુ-વ્હીલરના વેચાણથી મનપાને કુલ રૂ. ૩.૭૦ લાખનો વાહનવેરો પ્રાપ્ત થયો હતો.
શહેરમાં વિવિધ પ્રકારનાં કુલ ૮ થ્રી-વ્હીલરની ખરીદી થઈ હતી. જેમાં સીએનજી અને ડીઝલ આધારિત કોમર્શિયલ થ્રી-વ્હીલર ઉપરાંત છ સીએનજી પેસેન્જર થ્રી-વ્હીલરનો સમાવેશ થાય છે. આ વાહનો થકી મનપાને રૂ. ૩૦,૨૯૫ની આવક થઈ હતી.
અષાઢી બીજના દિવસે કુલ ૫૮ ફોર-વ્હીલર કારનું વેચાણ નોંધાયું હતું. તેમાં ૨૩ સીએનજી, ૮ ડીઝલ અને ૨૭ પેટ્રોલ કારનો સમાવેશ થાય છે. પેટ્રોલ કારના વેચાણથી સૌથી વધુ રૂ. ૯,૦૩,૫૭૬, ડીઝલ કારથી રૂ. ૩,૮૨,૮૩૮ અને સીએનજી કારથી રૂ. ૨,૯૬,૧૯૭નો વાહનવેરો મનપાને મળ્યો હતો.
આ ઉપરાંત બે લાઇટ કોમર્શિયલ વાહનો અને એક હેવી કોમર્શિયલ વાહનની પણ ખરીદી થઈ હતી. આમ, અષાઢી બીજના શુભ દિવસે રાજકોટના વાહન બજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી અને વાહનવેરા પેટે મહાનગરપાલિકાની તિજોરીમાં એક જ દિવસમાં રૂ. ૨૦.૮૫ લાખથી વધુની આવક જમા થઈ હતી. આ આંકડાઓ દર્શાવે છે કે અષાઢી બીજના અવસરે રાજકોટમાં નવા વાહનોની ખરીદી અને નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે શહેરની વધતી આર્થિક ગતિશીલતા અને નાગરિકોના વધતા વાહન ખરીદીના વલણને પ્રતિબિંબિત કરે છે.

(3:31 PM IST)










