News of Wednesday, 3rd June 2026
રાજકોટમાં ઘૂસણખોરોને શોધવા ૩૧ની પુછતાછઃ પાંચ મહિલા શંકામાં
બાંગ્લાદેશીઓને શોધવા રાજકોટ પોલીસનું રાતભર ઓપરેશનઃ ૨૦૦ને ચકાસ્યાઃ પોલીસ કમિશનરની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી, પોલીસ સ્ટેશનોની ૧૩ ટીમોએ ઠેકઠેકાણે દરોડા પાડી શકમંદોના આધાર પુરાવા ચેક કર્યા : એસઓજી, ક્રાઇમ બ્રાંચ, એલસીબી અને પોલીસ સ્ટેશનોના ચુનંદા જવાનોની ૧૩ ટીમો બનાવી શહેરભરમાં ચેકીંગઃ દરોડાઃ શકમંદોના લોકેશનને આધારે ત્યાં પહોંચી પુરાવા ચેક કરાયાઃ ૨૦૦ જેટલા શંકાસ્પદ ફોન કોલ્સની ડીટેઇલને આધારે ઠેકઠેકાણે તપાસ

શંકાને આધારે પોલીસે રાતભર ૩૧ જેટલા શખ્સોની પુછતાછ કરી આધાર પુરાવા ચેક કર્યા હતાં. જે પૈકી પાંચ મહિલા વધુ શંકાસ્પદ જણાઇ હતી. આ તમામની હાલ પુછપરછ થઇ રહી છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૩: રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા વધુ એક વખત રાજ્યભરમાં પોલીસે ખાસ ડ્રાઇવ યોજી હતી. તે અંતર્ગત રાજકોટમાં શહેર ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓની ૧૩ ટીમો બનાવી રાતથી વહેલી સવાર સુધી અલગ અલગ વિસ્તારમાં મેગા ડ્રાઇવ યોજી તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરમાં ૩૧ જેટલા શખ્સો બાંગ્લાદેશી હોવાની શંકાએ તેની પુછતાછ કરવામાં આવી હતી. જે પૈકી પાંચ મહિલા વધુ શંકાસ્પદ જણાતી હોઇ તેની અટકાયત કરી પુછતાછ આગળ ધપાવાઇ છે. તપાસ બાદ જો તે બાંગ્લાદેશી હોવાનું સ્પષ્ટ થશે તો ડીપોર્ટ કરવાની કાર્યવાહી થશે.
રાજકોટ શહેરમાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો વસવાટ કરે છે કે કેમ તે જાણવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદ મોબાઈલ નંબરોના ડેટાના આધારે ઓપરેટ કરવામાં આવ્યું હતું. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુપ્તચર એજન્સીઓ અને ટેકનિકલ સેલને લાંબા સમયથી ઇનપુટ્સ મળી રહ્યા હતા કે રાજકોટ સહિત ગુજરાત ભરમાં જુદા જુદા શ્રમિક વિસ્તારોમાં અને ફેક્ટરીઓમાં કેટલાક શંકાસ્પદ લોકો ઓળખ છુપાવીને રહી રહ્યા છે. જેમાં રાજકોટ શહેર પોલીસને આશરે ૨૦૦ જેટલા એવા શંકાસ્પદ મોબાઈલ નંબરો મળ્યા હતા. આ તમામના લોકેશન અને કોલ ડિટેલ્સ શંકાસ્પદ જણાતા હતા. આ નંબરો પરથી થતા શંકાસ્પદ કોલ્સ-સ્પામ કોલ અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીના આધારે પોલીસે આખું નેટવર્ક ટ્રેસ કર્યું હતું.
જેના આધારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોડી રાત્રે જ ઓપરેશન પાર પાડવાનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી તેમજ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ, એલસીબીનો સ્ટાફ, તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને તેમની ટીમોના જવાનો, એએચટીયુનો સ્ટાફ પણ સામેલ થયો હતો.
રાતે અગીયાર પછી ૧૩ ટીમોએ શહેરના ઔદ્યોગિક વિસ્તારો, બાંધકામની સાઇટો, ઝૂંપડપટ્ટીઓ અને શ્રમિકો વસતા વિસ્તારોને કોર્ડન કરી લીધા હતા. ટીમોએ રાતોરાત સઘન સર્ચ ઓપરેશન અને ચેકિંગ હાથ ધર્યું હતું. શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા પાડીને લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી અને તેમના રહેઠાણના પુરાવાઓ તપાસાયા હતા. આ આખી રાત ચાલેલા મેગા ઓપરેશન દરમિયાન પોલીસે કુલ ૩૧ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી. પકડાયેલા લોકોમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે. જે વધુ શંકાના ઘેરામાં હોઇ તેની પુછપરછ યથાવત રખાઇ છે. પ્રાથમિક તપાસમાં આ લોકો પાસે ભારતીય નાગરિક હોવાના મજબૂત પુરાવા મળી શકયા નથી. તેઓ કયાંથી આવ્યા છે, કયારથી રાજકોટમાં રહે છે અને અહીં લાવવામાં કોણે મદદ કરી છે તે અંગે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આકરી પૂછપરછ કરી રહી છે.
તમામ શંકાસ્પદ શખ્સોનો આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ભુતકાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો નકલી ભારતીય દસ્તાવેજો બનાવીને રહેતા હોવાના અને અમુક જંગલ રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસી ગયાનું ખુલ્યું હતું. જેને શંકાસ્પદ ગણી પુછતાછ કરવામાં આવી રહી છે તેમાંથી પાંચ મહિલા વધુ શંકાસ્પદ જણાઇ છે. આમાંથી જો કોઇ બાંગ્લાદેશી નાગરિક સાબિત થશે તો તેને કાયદાકીય પ્રક્રિયા બાદ ડીપોર્ટ-દેશ નિકાલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરાશે.
રાજકોટમાં મોડી રાત્રે થયેલી આ સ્ટ્રાઈક માત્ર એક શરૂઆત છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવાનું આ વિશેષ અભિયાન આજે પણ આખો દિવસ અને આગામી દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. બાકીના શંકાસ્પદ મોબાઈલ નંબરોના ધારકોને ટ્રેસ કરવા માટે પોલીસની ટેકનિકલ ટીમો સતત કાર્યરત છે. સ્થાનિક નાગરિકો અને મકાનમાલિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અજાણ્યા કે શંકાસ્પદ શ્રમિકને કામ રાખો કે રૂમ ભાડે આપો તો તેનુ વેરીફીકેશન કરવું અને પોલીસને પણ આની જાણ કરવી જરૂરી છે.
(2:51 PM IST)










