<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

મારામારીમાં વચ્‍ચે પડતાં ૩૦ વર્ષના મનોહરરાજને ધોકાના ઘા ફટકારાયાઃ સારવારમાં મોત થયું

ટંકારાના હડમતીયાની લજાઇ ચોકડી પાસે ફેક્‍ટરીમાં બનાવઃ રાજ અને રોશન ઝઘડો કરતાં હોઇ મનોહરરાજ વચ્‍ચે પડતાં તેને ધોકાના ઘા લાગી ગયા હતાં: મુળ બિહારના યુવાને રાજકોટમાં દમ તોડયો ચાર બહેનનો એકનો એક ભાઇ હતો

રાજકોટ તા. ૧૭: ટંકારના હડમતીયા નજીક લજાઇ ચોકડી પાસે આવેલી પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીમાં ત્રણ દિવસ પહેલા રાત્રે બે કર્મચારી વચ્‍ચે કોઇ વાતે ઝઘડો થતો હોઇ બંને એક બીજા સામે ધોકા ઉગામતાં હતાં ત્‍યારે મુળ બિહારનો એવો ત્રીજો કર્મચારી યુવાન આ બંનેને છોડાવવા વચચે પડતાં તેને ધોકાના ઘા લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. આજે સારવાર દરમિયાન દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ટંકારાના હડમતીયામાં લજાઇ ચોકડી પાસે આવેલી મેઘાટોન પોલીમર્સ નામની કંપનીમાં કામ કરતો અને ત્‍યાં જ રહેતો મનોહરરાજ સંજયભાઇ મંડલ (ઉ.વ.૩૦) નામનો યુવાન ૧૪/૧૦ના રાતે અગીયારેક વાગ્‍યે કંપનીમાં હતો ત્‍યારે બે શખ્‍સો રાજ અને રોશન વચ્‍ચે કોઇ વાતે ઝઘડો થયા બાદ બંને ધોકા લઇ એકબીજા સાથે મારામારી કરી રહ્યા હતાં.

આ વખતે બંનેને છોડાવવા મનોહરરાજ વચ્‍ચે પડતાં તેને માથામાં ધોકાના ઘા લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મનોહરરાજ મુળ બિહારનો વતની હતો અને ચાર બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો. તેને સંતાનમાં બે દિકરા છે. બનાવથી મજૂર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(3:04 PM IST)