તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
૩૦ વર્ષિય કારખાનેદાર જેનીશ પીપળવાનું હૃદય બેસી જતાં મોતઃ ૪ મહિના પહેલા જ લગ્ન થયા'તા
રાજકોટમાં સારવાર દરમિયાન યુવાન દિકરાના મૃત્યુથી શાપરના પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૮: હાલમાં હૃદય રોગના હુમલાથી મૃત્યુ થવાની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. વયોવૃધ્ધ તો ઠીક યુવાનોના પણ મૃત્યુ થઇ રહ્યા છે. ત્યાં વધુ એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે જેમાં શાપર વેરાવળમાં રહેતાં ૩૦ વર્ષના એક કારખાનેદાર યુવાનનું હૃદય બંધ પડી જવાને કારણે મૃત્યુ થતાં પરિવાર પર વજ્રઘાત થયો છે. કરૂણતા એ છે કે હજુ તો ચાર મહિના પહેલા જ આ યુવાનના લગ્ન થયા હતાં. ઘરમાં હજુ ખુશીઓનો માહોલ હતો ત્યાં આશાસ્પદ યુવાનની વિદાયથી પરિવાર અને નવપરિણીતા પર આભ તુટી પડયું છે.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં રહેતાં જેનીશભાઇ રાજશેભાઇ પીપળવા (ઉ.વ.૩૦) નામના યુવાનને ગઇકાલે છાતીમાં દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત શાપર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે રાજકોટ ગિરીરાજ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. હાર્ટએટેક આવી જવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું.
મૃત્યુ પામનાર જેનીશભાઇ બે ભાઇમાં મોટો હતો અને શાપરમાં કારખાનુ ચલાવતો હતો. જેનીશભાઇના લગ્ન હજુ ચાર મહિના પહેલા જ થયા હતાં. પરિવારજનો હજુ આ પ્રસંગની ખુશીઓ, યાદોમાં રચ્યો પચ્યો હતો ત્યાં જ યુવાન દિકરાના મૃત્યુથી આભ ફાટી પડયું હતું. જેના હાથની મહેંદી પણ સુકાઇ નહોતી એ નવોઢાએ ચુડીચાંદલો ગુમાવતાં તે ઉંડા આઘાતમાં ગરક થઇ ગઇ છે. શાપર પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
(10:46 AM IST)










