<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ગીતાનગરમાં રહેતા મેટોડા જીઆઈડીસીનાં કારખાનેદાર હિતાર્થ અમીપરા સાથે ૨૯ લાખની ઠગાઈ

ફ્રેનચાઇઝી અપાવવાના નામે સાયબર ગઠિયાઓ છેતરી ગયા: રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ: પીઆઇ એસ. ડી. ફુલતરીયાએ તપાસ હાથ ધરી

રાજકોટ:  ઓનલાઈન ફ્રોડની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. ખાનગી કંપનીની ફ્રેન્ચાઇઝી અપાવવાના નામે ગીતાનગરમાં રહેતાં કારખાનેદાર યુવાન સાથે લાખોની ઠગાઈ થઈ છે. તેને વિશ્વાસમાં લઈ રૂા.૨૯ લાખ ટ્રાન્સફર કરાવી લેવાયા છે.

આ બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે ભક્તિનગર સર્કલ પાસે ગીતાનગરમાં રહેતા અને મેટોડા જીઆઈડીસીમાં ત્રિવેણી મેટલ એન્ડ પાર્ટસ નામનું કારખાનું ચલાવતાં હિતાર્થ જલજીતભાઈ અમીપરા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી મોબાઈલ નંબર ધારકો ખાનગી કંપનીના નામે ઈ-મેઈલ કરનાર આઈડી ધારક, અલગ-અલગ બેન્ક ખાતા ધારકો સહિતની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કારખાનેદાર હિતાર્થને આરોપીઓએ સ્નિય એપેરલ્સ પ્રા. લી. કંપનીના ફ્રેન્ચાઈઝી મેનેજરની ઓળખ આપી તેનો અલગ-અલગ નંબર પરથી ફોન પર સંપર્ક કર્યો હતો. તેમજ કંપનીના ઈ-મેઈલ મારફતે પણ વાતચીત કરી તેને ફ્રેન્ચાઈઝી અપાવવાના બહાને વિશ્વાસમાં લીધો હતો.

ત્યાર બાદ આરોપીઓએ ફ્રેન્ચાઈઝી ફી, ટોકન એમાઉન્ટ, એનઓસી ફી, સિકયુરીટી ડિપોઝીટ અને એડમિનિસ્ટ્રેશન ચાર્જીસના બહાને અલગ-અલગ રકમ ભરવાનું કહી કુલ રૂા.૨૯ લાખ અલગ-અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી કરાવી લીધા હતા. તેમજ આરોપીઓએ ખોટા ઈ-મેઈલ અને એપોઈન્ટમેન્ટ લેટર અને ફ્રેન્ચાઈઝી સંબંધીત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપીંડી આચરી હતી. આરોપીઓએ વધુ રકમની માગણી કરતા હિતાર્થે તેની રકમ પરત માંગી હતી. પરંતુ આરોપીઓએ આપી ન હતી. એટલું જ નહીં તેણે સ્નિચ કંપનીના અધિકૃત ઈ-મેઈલ પરથી ફ્રેન્ચાઈઝી સંબંધીત કાર્યવાહી ફેક હોવાનું જાણવા મળતાં છેતરપીંડી થયાનું જણાતાં | ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. ડી. ફુલતરીયાએ તપાસ હાથ ધરી છે.

(10:05 AM IST)