News of Wednesday, 22nd April 2026
રોણકી શ્યામ બંગલોઝમાં રહેતાં ૨૭ વર્ષિય પ્રિયાંગ પાંભરનો ઝેર પી આપઘાત
નમકીન કંપનીમાં કામ કરતો હતો અને પરિણીત હતોઃ પગલુ શા માટે ભર્યુ તે અંગે ગાંધીગ્રામ પોલીસની તપાસ યથાવતઃ યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૨: માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ ૧૫૦ રીંગ રોડ પર રોણકી ગામમાં રહેતાં એક યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ રોણકીમાં આવેલા શ્યામ બંગલોઝ એ-૧૨માં રહેતાં પ્રિયાંગભાઇ હિતેષભાઇ પાંભર (ઉ.વ.૨૭) નામના યુવાને ગઇકાલે સવારે પાંચેક વાગ્યે ઘરે હતો ત્યારે ઘઉમાં રાખવાની ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન મોડી રાતે પ્રિયાંગભાઇએ દમ તોડી દીધો હતો.
આ બનાવની જાણ હોસ્પિટલના ડો. મિલાપ મશરૂ મારફત ગાંધીગ્રામ પોલીસને કરવામાં આવતાં હેડકોન્સ. મયુરસિંહ જી. જાડેજાએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર પ્રિયાંગભાઇ બે ભાઇમાં નાનો હતો અને પરિણીત હતો. તે ગોપાલ નમકીનમાં નોકરી કરતો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તેનાથી હાલ પરિવારજનો અજાણ હોઇ અંતિમવિધી બાદ પોલીસ વિશેષ નિવેદનની કાર્યવાહી કરશે. યુવાન દિકરાના આ પગલાથી પાંભર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(1:04 PM IST)










