News of Monday, 16th November 2026
શાપરમાં બાઇક સ્લીપ થતાં ઘવાયેલા ૨૭ વર્ષના નેપાળી યુવાન ગોપાલનું મોત
બેસતા વર્ષની રાતે ચક્કર મારવા નીકળ્યો ત્યારે બનાવ બન્યો હતોઃ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૬: શાપર વેરાવળમાં નવા વર્ષના દિવસે રાતે અગીયારેક વાગ્યે બાઇક લઇ ચક્કર મારવા નીકળેલા નેપાળી યુવાનને બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેનું આજે રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇગયો છે.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં રામદેવનગરમાં રહેતો મુળ નેપાળનો ગોપાલભાઇ ધનીરામ દંગોરા (ઉ.વ.૨૭) તા. ૧૦ના રોજ નૂતનવર્ષની રાતે અગીયારેક વાગ્યે ઘરેથી બાઇક લઇ ચક્કર મારવા નીકળ્યો હતો. તે વખતે શાપર પોલીસ સ્ટેશન નજીકના મોમાઇ હોટેલ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. શાપર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પરંતુ આજે તેનું મૃત્યુ થતાંં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. મૃતક બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે શાપરમાં છુટક કામ કરતો હતો. બનાવની જાણ થતાં રાજકોટ નેપાળી સેવા સમાજના સંજયભાઇ કારકી હોસ્પિટલે પહોંચ્યા હતાં અને મૃતકના સ્વજનોને મૃતદેહ નેપાળ લઇ જવો હોઇ તે માટેની વ્યવસ્થા કરવામાં મદદરૂપ થયા હતાં.
(3:33 PM IST)










