તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
અઢાર વર્ષની દિકરીને ૨૭ વર્ષના છુટાછેડા લીધેલા રોનીલે સોશિયલ મિડીયાથી ફસાવી લીધાનો આક્ષેપ
વાછકપર બેડીમાં ઘરમાં ઘુસી રોનીલ પર હુમલો કરી પત્નિના અપહરણની ફરિયાદ ખોટી હોવાની વળતી રજૂઆત : છેતરપીંડીથી લગ્ન નોંધણી કરાવી લેવાઇઃ યુવતિને તેના પિતા તેડી ગયા હતાં, અપહરણ નથી કર્યુઃ યુવતિએ પોતે એફીડેવીટ રજૂ કરી પોતાને જાનનું જોખમ હોવાનું અને કોઇપણ સંજોગોમાં રોનીલ સાથે રહેવું નથી તેમ જણાવ્યું

રાજકોટ તા. ૨૦: કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હુમલો અને અપહરણના બનાવમાં જે યુવતિનું અપહરણ કરી જવામાં આવ્યાનો આરોપ મુકાયો છે તે યુવતિના કુટુંબીએ યુવતિનું એફીડેવીટ રજૂ કરી જણાવ્યું છે કે વાછકપર બેડી ગામમાં ઘરમાં ઘુસી રોનીલ ચંદ્રાલા પર હુમલો કરી તેના પત્નિનું અપહરણ કરી જવામાં આવ્યાની વાતમાં જરાય તથ્ય નથી, આ પોલીસ ફરિયાદ સદંતર ખોટી છે. ૧૮ વર્ષની દિકરીને ૨૭ વર્ષના છુટાછેડા લીધેલા રોનીલે સોશિયલ મિડીયાના માધ્યમથી મોહજાળમાં ફસાવી છેતરપીંડીથી લગ્ન નોંધણી કરાવી છે જે સમાજમાં કલંકરૂપ કહેવાય. દિકરીના પિતા તેને લેવા ગયા હતા, અપહરણ કરવા નહિ.
લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે દિકરી તેની મરજીથી રાજીખુશીથી પરત આવી છે, તેણીએ પોતાના પર જાનનું જોખમ હોવાનું કહ્યું છે અને એ કારણે જ રોનીલના ઘરેથી પરત પરિવાર પાસે નવસારી રહેવા આવી ગઇ છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં દિકરીએ હાજર થઇ વિગતો જણાવી છે અને પોતાનો જવાબ પણ લખાવી દીધો છે અને તેણીએ સોગંદનામુ પણ રજુ કર્યુ છે. તેમ કાંતિલાલ પાંચોટીયાએ લેખિત યાદીમાં જણાવ્યું છે.
આ ઉપરાંત દિકરીએ જે એફીડેવીટ રજૂ કર્યુ છે તેમાં તેણીએ જણાવ્યું છે કે છ-સાત મહિના પહેલા સોશિયલ મિડીયા મારફ રોનીલ સાથે ઓળખાણ થઇ હતી. ૧૧/૨/૨૬ના રોજ રોનીલની જ એક મિત્ર મને એડવોકેટની ઓફિસે લઇ ગઇ હતી. જ્યાં રોનીલ અને તેના મિત્રો પણ હતાં. કોઇ દસ્તાવેજો ઉપર સહી કરાવી હતી, શાના દસ્તાવેજ હતાં તેની મને જાણ નહોતી. બાદ ૨૯/૩/૨૬ના રોજ રોનીલ મને ઘરેથી લઇ ગયો હતો. ત્યારે મારા ઘરના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં અરજ કરી હતી. જેનો જવાબ મેં દબાણ તળે લખાવી દીધો હતો. થોડા સમય હું રોનીલના ઘરે રોકાઇ હતી. જે સમય દરમિાયન મને જે લોભ લાલચ અને હકિકત દર્શાવાઇ હતી તેનાથી બધુ વિપરીત તેના ઘરે હતું. જેથી મેં મારા કુટુંબીજનોને મળવા આજીજી કરી હતી.
પરંતુ મને રોનીકલ અને તેના સભ્યો દબાણ કરતાં હતાં. મેં મારા ઘરના સભ્યોને સમાચાર મોકલાવેલ અને બાદમાં મારા પિતા મને આવીને રોનીલના ઘરેથી લઇ ગયા હતાં. હું મારી મરજીથી પહેરેલ કપડે મારા પિતા સાથે આવી ગઇ છું. રોનીલના ઘરના સભ્યો બળજબરીથી મને તેના ઘરે રાખવા માંગતા હતાં. હું તેના ઘરેથી કોઇપણ ચીજવસ્તુ લઇને આવી નથી. હાલ હું નવસારી રોકાઇ છું. મને હજુ પણ રોનીલ અને તેના પરિવારથી ડર લગે છે. મેં કોઇ હિન્દુ મંદિરમાં રોનીલ સાથે લગ્ન કરેલ નથી. મારે તેની સાથે કોઇપણ સંજોગોમાં રહેવું નથી. તેમ વધુમાં યુવતિએ એફીડેવીટમાં લખાવ્યું છે. ઉલ્લેખનિય છે કે આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે રોનીલની ફરિયાદ પરથી મોરબી રહેતાં કિશોરભાઇ કુકરવાડીયા, જય કિશોરભાઇ, આકાશ ગામી, કુલદીપ ઘોડાસરા અને અજાણયા સામે રોનીલના ઘરમાં ઘુસી હુમલો કરી માર મારી રોનીલની પત્નિનું અપહરણ કરવાનો ગુનો ૧૭મીએ દાખલ કર્યો હતો.
(1:23 PM IST)










