<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કાળીપાટમાં ચાર બહેનોના એકના એક ભાઇ ઇમિટેશનના કારીગર ૨૬ વર્ષના રવિનો આપઘાત

સવા મહિના અને ત્રણ વર્ષના બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ માતા-પત્‍નિ નીચે હતાં ત્‍યારે ઉપરના રૂમમાં એસિડ પી લીધું: રાજકોટમાં સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૮: આપઘાતનો વધુ એક બનાવ બન્‍યો હતો. જેમાં રાજકોટના કાળીપાટમાં રહેતાં ઇમિટેશનના કારીગર અને ચાર બહેનના એકના એક ભાઇએ એસિડ પી દુનિયા છોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. આ યુવાનના આપઘાતથી સવા મહિનાના અને ત્રણ વર્ષના બે દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટના કાળીપાટ ગામે રહેતાં રવિભાઇ લાલજીભાઇ મેર (ઉ.વ.૨૬) નામના યુવાને ગઇકાલે ઘરના ઉપરના માળે હતો ત્‍યારે એસિડ પી લેતાં સારવાર માટે ત્રંબાની ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ રાતે મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ મારફત થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એચ. આર. ટારીયાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર રવિભાઇ ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો અને પરિવારનો આધારસ્‍તંભ હતો. તે ઘરે બેઠા ઇમિટેશનના દાગીનાનું મજુરી કામ કરતો હતો. તેના પત્‍નિનું નામ અનિતા  છે અને સંતાનમાં બે દિકરા છે. જેમાં એક સવા મહિનાનો અને બીજો ત્રણ વર્ષનો છે. આ બંને માસુમ દિકરાઓએ પિતાની છત્રછાંયા  ગુમાવી છે. તેના પિતા લાલજીભાઇ કારખાનામાં કામ કરે છે. રવિના માતા, પત્‍નિ, બાળકો નીચેના રૂમમાં હતાં ત્‍યારે તે ઉપરના રૂમમાં હતો અને અકળ કારણોસર એસિડ પી ગયો હતો. પરિવારજનો કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. ચાર બહેનોએ એકનો એક ભાઇ અને પરિવારે આધારસ્‍તંભ ગુમાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(10:54 AM IST)