તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
શાપર-વેરાવળની ૨.૫૦ કરોડની લૂંટનો ભેદ ઉકેલવા પોલીસની ૨૦ ટીમો દ્વારા તપાસ
લૂંટ કર્યા પછી ત્રણ બાઇક ચોરી એક બાઇક રેઢુ મૂકી બે બાઇકમાં લુંટારૂઓ નાસી ગયાઃ લૂંટારૂઓના ગોંડલ ચોકડી બ્રીજ સુધીના સીસીટીવી ફુટેજ મળ્યા

રાજકોટ તા.રરઃ શાપર વેરાવળમાં રહેતા જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૭૭)ને તેમના જ ઘરમાં બંધક બનાવી રૂ. ૨.૫૦ કરોડની મતાની લૂંટની ઘટનામાં પોલીસની વીસેક ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
૨.૫૦ કરોડની લૂંટમાં અંદાજે ૬ શખ્સો સંડોવાયા હોવાનું પોલીસ માની રહી છે. લૂંટારુઓ ઘટનાસ્થળે કોઈ વાહનમાં આવ્યા ન હતા. વાહનના આધારે પોલીસ પોતાના સુધી પહોંચી ન શકે તે માટે કેટલાક કિલોમીટર ચાલીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. યોજનાને અંજામ આપી નજીકની આંજનય સોસાયટીમાંથી ૩ બાઈકની ચોરી કરી હતી. ત્યાર બાદ યોજના બદલી એક ચોરાઉ બાઈક આંજનય સોસાયટીથી ૨૦૦ મીટર દૂર ખેતરમાં બિનવારસુ મૂકી બાકીના ૨ બાઈક ઉપર બેસી ફરાર થઈ ગયા હતા. ચોરાઉ બંને બાઈક હજુ સુધી પોલીસને મળ્યા નથી.
દરમ્યાન સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવતાં ઢોલરાથી થઈ હકુભા ચોકડીથી રસુલપરા સુધી પહોંચી ગોંડલ ચોકડી બ્રિજ ઉપરથી લૂંટારુઓ ભાગી ગયા હોવાના ફૂટેજ મળ્યા છે. ત્યાર પછી કયાં ગયા તે વિશે પોલીસને કોઈ માહિતી નથી.
રાજકોટ જિલ્લા પોલીસ માટે પડકારરૂપ આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ, LCB, SOG, રાજકોટ રેન્જ સહિત ૨૦ ટીમોને કામે લગાડવામાં આવી છે. સીસીટીવી ઉપરાંત મોબાઈલના ટાવર લોકેશન અને બાતમીદારો મારફત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(1:32 PM IST)










