તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
રાજકોટ જીલ્લામાં ૧૭૦ ગામો નીચાણવાળાઃ આ ગામો અંગે આગોતરી તૈયારીઃ દરેક તાલૂકામાં ડે. કલેકટરો મૂકાયા
આજથી કાલે સાંજ સુધી રાજકોટ શહેર- જીલ્લામાં વરસાદનું હાઇએલર્ટઃ શાળા-કોલેજોમાં રજા અંગે આજે નિર્ણય : સ્વયંસેવકો, તરવૈયાઓ, હોમગાર્ડઝ સ્ટેન્ડબાયઃ તલાટીઓને ફરજીયાત ગામમાં જ રહેવા આદેશ

કલેકટરે ગઇકાલે ભારે વરસાદની ચેતવણી સંદર્ભે પત્રકાર પરીષદ યોજી હતી.
રાજકોટ તા.૩૧: ડીપ ડિપ્રેશનના પગલે ગુજરાતમાં ભારે વરસાદની શકયતા જોતાં ડિઝાસ્ટર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટ જિલ્લામાં આજથી ૧ ઓગસ્ટની સાંજ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમપ્રકાશે તાકીદની બેઠક બોલાવીને જિલ્લાના ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ પ્લાનની સમીક્ષા કરી હતી. આ સાથે રાજ્ય સરકારના ‘ઝીરો કેઝ્યુઆલિટી'ના અભિગમને અનુસરતાં આગોતરા પગલાં લેવા સાથે વિવિધ સૂચનાઓ જારી કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમપ્રકાશે રાજકોટના પત્રકારોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના અધિકારી નોડલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ લાયઝન અધિકારીઓને શુક્રવારે સવારે સોંપેલા તાલુકા મથકે પહોંચી મામલતદાર, ટીડીઓ, પોલીસ તંત્ર અને સ્થાનિક વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજી ડિઝાસ્ટર સંબંધિત તૈયારીઓ સુનિヘતિ કરવા આદેશ અપાયા છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતાં, જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓ-કર્મચારીઓને પોતાના હેડક્વાર્ટર પર હાજર રહેવા અને મોબાઈલ, સંપર્ક માધ્યમો સતત ચાલુ રાખવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લામાં શાળા-આંગણવાડીમાં રજા અંગે ૩૧મી જુલાઈએ સ્થિતિ મુજબ નિર્ણય લેવાશે.
સંભવિત અતિભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની જરૂર પડે ત્યારે તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શાળાઓ તેમજ સમાજવાડીઓને આશ્રયસ્થાન તરીકે તૈયાર રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આશરે ૧૭૦ જેટલા નીચાણવાળા ગામોની ઓળખ કરીને આગોતરી સાવધાની રાખવામાં આવી રહી છે. જિલ્લામાં એસ.ડી.આર.એફ.ની ટીમ પણ તહેનાત રખાઈ છે.
કલેક્ટરશ્રીએ શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ અને પવનને કારણે ર્હોડિંગ્સ કે સાઈનબોર્ડ્સ ધરાશાયી ન થાય તે માટે તેની તાત્કાલિક નિરિક્ષણ કરીને, જોખમી ર્હોડિંગ્સ ઉતારી લેવા સૂચના આપી છે. આ સાથે હાઇવે, નગરપાલિકા અને ગ્રામ્ય રસ્તાઓ પર નમી ગયેલા કે જોખમી વળક્ષોનું ટ્રીમિંગ તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું છે.
સગર્ભા મહિલાઓ તથા ગંભીર દર્દીઓને અગાઉથી જ સુરક્ષિત રીતે હોસ્પિટલમાં દાખલ કરી દેવા નિર્દેશ અપાયા છે. આરોગ્ય વિભાગ અને સીએચસી/પીએચસી ટીમોને દરેક ગામ વાઈઝ પ્રાઈમરી હેલ્થ કિટ્સ (ORs, પ્રાથમિક દવાઓ) તૈયાર રાખવા જણાવાયું છે.
કલેકટરશ્રીએ જે રસ્તાઓ કે કોઝવે પરથી પાણી વહેતા હોય અથવા ઓવરટોપિંગ થતું હોય ત્યાં વાહનવ્યવહાર બંધ રાખવા સૂચના આપી છે. તેમજ પોલીસ તંત્ર, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનોને આવાં જોખમી સ્થળો પર તૈનાત કરી અવર-જવર રોકવા માટે આદેશ અપાયા છે.
દરેક ગામમાં સ્થાનિક સ્તરે બચાવ અને રાહત કામગીરી માટે સ્વયંસેવકો, તરવૈયાઓ અને હોમગાર્ડ્સની યાદી તૈયાર કરી તેઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તલાટીઓને ગામમાં જ રહેવાનું ફરજીયાત બનાવાયું છે. સરપંચોને પણ આ દિવસો દરમિયાન ગામ ન છોડવા અને તંત્ર સાથે સતત સંકલનમાં રહેવા અપીલ કરાઈ છે. આપત્તિના સમયે જેસીબી, ટ્રેક્ટર્સ અને હેવી વહીકલ્સ ધરાવતા ઓપરેટરોની તાલુકા વાઈઝ યાદી તૈયાર કરી, જરૂર પડે ત્યાં તાત્કાલિક તેમની સેવાઓ લેવામાં આવશે.
કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ ચોવીસે કલાક કાર્યરત રહેશે. આ સાથે કંટ્રોલરૂમમાં સિનિયર અધિકારીની રાઉન્ડ ધી ક્લોક ડ્યૂટી ગોઠવવા સૂચના અપાઈ છે. વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલની ક્વિક રિસ્પોન્સ ટીમોને તૈનાત રાખવામાં આવશે. સંભવિત વરસાદથી માર્કેટ યાર્ડ ખાતે રહેલો અનાજ અને પાકનો જથ્થો પલળી ન જાય તે માટે તમામ એ.પી.એમ.સી.ને જરૂરી પગલાં તાત્કાલિક લેવા સૂચના અપાઈ છે. યાર્ડમાં રહેલા માલસામાનને સુરક્ષિત કવર કરવા, સલામત સ્થળે ખસેડવા કરવા અથવા જે શેડના જૂના પતરાં જોખમી કે જર્જરિત હોય તેનું રિપેરિંગ અને ટાઈટનિંગ તાત્કાલિક ધોરણે કરવા જણાવાયું છે. ભારે વરસાદની સ્થિતિમાં પશુઓને બાંધીને ન રાખવા પણ જણાવાયું છે. જિલ્લા કલેકટરશ્રી દ્વારા નાગરિકોને બિનજરૂરી અવરજવર કે પ્રવાસ ટાળવા તેમજ નદી-નાળા અને કોઝવે નજીક ન જવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાગરિકો આપાતકાલીન સ્થિતિમાં સહાય કે માહિતી માટે જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટોલ-ફ્રી નંબર ૧૦૭૭ તથા ટેલિફોન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પર સંપર્ક કરી શકે છે.
(11:31 AM IST)










