<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

બાબરાના ખંભાળામાં ૧૭ વર્ષની કિરણ મેરએ ગામના મંદિર પાસે એસિડ-ઝેર પી જીવ દીધો

રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડયોઃ કારણ અંગે પરિવારજનો અજાણ

રાજકોટ તા. ૨૧: અલગ અલગ કારણોસર આપઘાત કરી લેવાના બનાવો અવાર-નવાર બને છે. અમુક કિસ્‍સામાં આપઘાતનું કારણ પણ બહાર આવતું નથી. આવી જ એક ઘટના અમરેલીના બાબરા તાબેના ખંભાળા ગામે બની છે. અહિ રહેતાં પરિવારની ૧૭ વર્ષની દિકરીએ ઝેરી દવા અને એસિડ ભેગા કરીને પી લઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ખંભાળા ગામે રહેતી કિરણબેન પ્રવિણભાઇ મેર (ઉ.વ.૧૭)એ સાંજે સાડા આઠેક વાગ્‍યે ઘર નજીક આવેલા મંદિર પાસે એસિડ અને ઝેરી દવા ભેગા કરીને પી લીધા હતાં. બાદમાં તે ઘર પાસે પહોંચી ઉલ્‍ટીઓ કરવા માંડી હતી. પરિવારજનોએ પૃછા કરતાં પોતે ઝેરી દવા-એસિડ ભેળા કરીને પી ગઇ હોવાનું કહેતાં તુરત જ તેણીને  સારવાર માટે ખસેડી હતી. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાનું કહેવાતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ બનાવની જાણ બાબરા પોલીસને કરી હતી.

આપઘાત કરનાર કિરણબેન બે ભાઇ અને બે બહેનમાં બીજી હતી. તેના પિતા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. કિરણબેને આ પગલુ શા માટે ભર્યુ તેનાથી પરિવારજનો અજાણ હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. યુવાન દિકરીના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:36 AM IST)