તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 17th July 2026
કિસાનપરા ડમરી ચોકમાં રહેતો ૧૬ વર્ષનો જુનેદ ૪ દિવસથી ગૂમઃ અપહરણનો ગુનો
જમીને માતાનો મોબાઇલ લઇને નીકળ્યા પછી ગાયબઃ સીસીટીવીમાં બાલભવન તરફ જતો દેખાયોઃ એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

ગૂમ થયેલા જૂનેદની તસ્વીર તેના પરિવારે મોકલી છે, તે કોઇને જાવા મળે તો પોલીસને અથવા મો.૯૭૩૭૧ ૨૧૦૨૦, ૯૮૨૪૮ ૮૮૬૭૦ ઉપર જાણ કરવી
રાજકોટ તા. ૧૭: શહેરના કિસાનપરા વિસ્તારમાંથી ૧૬ વર્ષ અને ૪ મહિનાનો એક સગીર વયનો કિશોર રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ચકચાર જાગી છે. જમીને મોબાઈલ ફોન લીધા બાદ થોડીવારમાં આવુ છું તેમ કહીને નીકળેલો કિશોર પરત ન ફરતાં પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કિસાનપરા સોસાયટી-૯ ડમરી બાગ કેપીટલ હોટેલ પાછળ રહેતાં ઇમરાનભાઇ ફતેમહમદભાઇ પઢીયાર (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઇમરાનભાઇ પઢીયાર પરિવાર સાથે રહે છે અને ગેરેજમાં કામ કરેી ગુજરાન ચલાવે છે. ફરિયાદની વિગત મુજબ તા. ૧૩/૭ના રોજ બપોરના આશરે એકાદ વાગ્યે તેનો પુત્ર જુનેદ (ઉ.વ.૧૬) પોતાના પરિવાર સાથે ઘરે જમવા બેઠો હતો. જમ્યા બાદ તેણે તેની માતા પાસેથી મોબાઈલ ફોન માંગ્યો હતો. થોડીવાર મોબાઈલ વાપર્યા બાદ તેણે પરત આપી દીધો હતો, પરંતુ ફરીથી મોબાઈલ માંગીને તે ઘરની બહાર નીકળી ગયો હતો. અડધો કલાક સુધી તે ઘરે પરત ન ફરતાં ચિંતાતુર બનેલી માતાએ તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. ત્યારે તેણે મમ્મી, હું પાંચેક મિનિટમાં ઘરે આવું છું. તેવો ટૂંકો જવાબ આપ્યો હતો. પણ આ વાતચીત બાદ તુરંત જ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
ફોન બંધ આવતા અને મોડે સુધી ઘરે ન પહોંચતા ગભરાયેલા માતા-પિતાએ આજુબાજુના વિસ્તારમાં તેમજ રાજકોટમાં રહેતા તમામ સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. દરમિયાન, ઘરની નજીક આવેલી હોટેલના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ગુમ થયેલ કિશોર બપોરના બે વાગ્યાની આસપાસ ઘર તરફથી બાલભવન તરફ એકલો ચાલીને જતો નજરે પડ્યો હતો.
પરિવારજનોએ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ એ-ડિવીઝન પોલીસમાં જાણ કરતાં પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોનસ. પી. જી. ઝાલાએ આ સગીરના પિતાની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્યો છે. વધુ તપાસ પીએસઆઇ એસ. આર. ચાવડાએ હાથ ધરી છે.
(12:03 PM IST)










