<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

રાજકોટના હાર્દ સમાન 150 ફૂટ રિંગ રોડનો કાયાપલટ થશે : ટ્રાફિક અને જળભરાવના કાયમી નિકાલ માટે મનપાનો ₹100 કરોડનો મેગા પ્લાન

માધાપરથી ગોંડલ ચોકડી સુધીનો 10.7 કિમીનો માર્ગ 'નવા અવતાર' માં જોવા મળશે : BRTS ટ્રેકની પહોળાઈ ઘટશે : બિનઉપયોગી સાયકલ ટ્રેક દૂર કરી રોડ વધુ મોકળો કરાશે

 રાજકોટ:  રાજકોટના સૌથી વ્યસ્ત અને મહત્વના ગણાતા 150 ફૂટ રિંગ રોડના નકશામાં ધરખમ ફેરફાર કરવા માટે મહાનગરપાલિકાએ ચક્રો ગતિમાન કર્યા છે. દાયકાઓ જૂની ડિઝાઇનમાં રહેલી ખામીઓને દૂર કરી, આ માર્ગને આધુનિક ટ્રાફિક વ્યવસ્થા સાથે સજ્જ કરવા માટે ₹100 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. વધતા જતા વાહનોના ભારણ અને ચોમાસામાં સર્જાતી જળબરાવની વિકટ સમસ્યાના કાયમી નિરાકરણ માટે મનપા પ્રશાસન હવે આ આખા કોરિડોરનું નવેસરથી માળખું તૈયાર કરવા જઈ રહ્યું છે.

 સમસ્યાનું મૂળ અને ઉકેલ:

છેલ્લા પાંચ વર્ષમાં થયેલા બેફામ શહેરીકરણને કારણે આ 10.7 કિમી લાંબા માર્ગ પર વાહનોનું ભારણ અનેકગણું વધી ગયું છે. હાલમાં રોડની વચ્ચે આવેલો BRTS કોરિડોર વધુ જગ્યા રોકે છે, જ્યારે તેની બાજુમાં રહેલા સાયકલ ટ્રેકનો ઉપયોગ નહિવત જેવો છે. નવી યોજના મુજબ, હવે BRTS ટ્રેકની પહોળાઈમાં ઘટાડો કરવામાં આવશે અને બિનઉપયોગી સાયકલ ટ્રેકને દૂર કરીને વાહનચાલકો માટે રોડ વધુ પહોળો કરવામાં આવશે. આ ઉપરાંત, પાણીના નિકાલ માટે નવી ડ્રેનેજ સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે.

 સુરતની એક્સપર્ટ સંસ્થા દ્વારા સર્વે:

આ પ્રોજેક્ટ માટે RMC દ્વારા સુરતની પ્રતિષ્ઠિત સરકારી ટેકનિકલ સંસ્થા (SVNIT) ની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થાએ અગાઉ અમદાવાદના એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગ રોડ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સંસ્થા દ્વારા ટ્રાફિકનું દબાણ અને સર્વિસ રોડની જરૂરિયાત અંગેનો ગ્રાઉન્ડ સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. આ કન્સલ્ટન્સી સેવા બદલ મનપા પ્રતિ કિમી આશરે 9 લાખ રૂપિયાનો ખર્ચ કરશે.

 આગામી કાર્યવાહી:

સર્વેની કામગીરી પૂર્ણતાના આરે હોવાથી, મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી થયા બાદ આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે. મંજૂરી મળતાની સાથે જ ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી રાજકોટના લાખો વાહનચાલકોને ટ્રાફિકની કડાકૂટમાંથી મુક્તિ મળશે અને માધાપરથી ગોંડલ ચોકડી સુધીની મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.

(11:56 AM IST)