<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

માતા-મોટા બહેન સાથે જમવા જઇ રહેલી ૧૫ અને ૧૦ વર્ષની બહેનો બસની ઠોકરે ચડીઃ ૧૫ વર્ષની તન્‍વીનું મોત

જામનગર રોડ જલારામ હોટેલ પાસે ‘હિટ એન્‍ડ રન': નાના મવા ભીમનગરની બાળાનું મોત : ૧૦ વર્ષની કાવ્‍યાની હાલત ગંભીરઃ માતા અને બહેન રિક્ષામાં જ્‍યારે તન્‍વી-કાવ્‍યા ટુવ્‍હીલર પર હતાં: બસચાલક વાહન સહિત બંને બહેનને ઉલાળી ભાગી ગયોઃ સારવાર દરમિયાન એક બહેનનું મોતઃ પિતા હયાત નથીઃ વાઘેલા પરિવારમાં શોકની કાલીમા

કાળનો કોળીયો બની ગયેલી તન્‍વીનો ફાઇલ ફોટો, તેનો નિષ્‍પ્રાણ દેહ અને સારવારમાં  રહેલી નાની બહેન કાવ્‍યા જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: હિટ એન્‍ડ રનની વધુ એક ઘટના બની છે. જામનગર રોડ પર જલારામ હોટલ નજીક રાતે ખાનગી બસનો ચાલક ટુવ્‍હીલરની ઉલાળીને ભાગી જતાં આ ટુવ્‍હીલરની ચાલક ભીમનગરની ૧૫ વર્ષની બાળા અને પાછળ બેઠેલી તેની ૧૦ વર્ષની બહેન બંને રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં બંનેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. જેમાં સવારે ૧૫ વર્ષની બહેનનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. આ બંને બહેનો ટુવ્‍હીલરમાં અને તેના મોટા બહેન અને માતા સહિતના બીજા સ્‍વજનો રિક્ષામાં હતાં. હોટલમાં જમવા જતી વખતે બનાવ બન્‍યો હતો. અકસ્‍માત સર્જી બસનો ચાલક ભાગી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ નાના મવા ભીમનગરમાં રહેતાં નીશાબેન દિનેશભાઇ વાઘેલા નામના મહિલાના પતિ દિનેશભાઇ હયાત ન હોઇ પોતે પારકા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાતે નીશાબેનને સંતાનમાં ત્રણ દિકરીઓ દર્શના (ઉ.વ.૧૮), તન્‍વી (ઉ.વ.૧૫) અને કાવ્‍યા (ઉ.વ.૧૦) છે. નાની દિકરીઓએ ગત રાતે બહાર હોટલમાં જમવા જવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતાં નીશાબેને હા પાડી હતી.

બધાએ જામનગર રોડ પર આવેલી જલારામ હોટલ પાસે જમવા જવાનું નક્કી કર્યુ હતું. આ દરમિયાન નીશાબેન અને મોટી દિકરી દર્શના રિક્ષામાં બેઠા હતાં. જ્‍યારે નાની દિકરી તન્‍વીએ પોતે અને તેનાથી નાની કાવ્‍યા ટુવ્‍હીલર પર આવશે તેવું કહ્યું હતું. આ રીતે બધા ભીમનગરથી જામનગર રોડ જલારામ હોટલ નજીક પહોંચ્‍યા હતાં. પણ તન્‍વી અને કાવ્‍યા જે ટુવ્‍હીલર પર હતાં તેને એક ખાનગી બસના ચાલકે ઠોકરે લઇ લેતાં બંને બહેનો વાહન સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. માતા-મોટી બહેન સહિતના લોકો રિક્ષામાં હોઇ તેઓ દોડી આવ્‍યા હતાં. તન્‍વી અને કાવ્‍યા બંનેને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ઇમર્જન્‍સી વોર્ડમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે મોટી દિકરી તન્‍વી દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.૧૫)નું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

મૃત્‍યુ પામનાર તન્‍વીએ આ વર્ષે જ ધોરણ-૧૦ની પરિક્ષા આપી હતી. જો કે તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં તેને નાપાસ જાહેર કરવામાં આવી હતી. સારવાર હેઠળ રહેલી કાવ્‍યા ધોરણ-૭માં અભ્‍યાસ કરે છે. લાડકી દિકરીના મૃત્‍યુથી વાઘેલા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(2:19 PM IST)