તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 9th November 2026
રાજકોટ શહેરમાં ફટાકડાને કારણે દિવાળીની રાતે આગના ૧૪૮ બનાવો
ત્રણ દિવસમાં ૨૧૫ બનાવઃ ફાયર બ્રિગેડની ટીમોએ સતત દોડધામ કરી નાની-મોટી આગ બુઝાવી ધનતેરસથી લઇ ધોકા (પડતર દિવસ)ની સવાર સુધીમાં બસ્સોથી વધુ સ્થળે આગ લાગી, છમકલા થયા

રાજકોટઃ શહેરમાં દિવાળીના તહેવાર વખતે આગજનીના બનાવો વધી જતાં હોય છે. આગની આવી ઘટનાઓમાં તુરંત સ્થળ પર પહોંચી આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ તંત્ર દ્વારા વધારાની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે. શહેરમાં ધનતેરસથી લઇ દિવાળીની રાત, ધોકા-પડતર દિવસની સવાર સુધી એટલે કે ત્રણ દિવસમાં નાની મોટી આગના કુલ ૨૧૫ બનાવો બન્યાનું ફાયર બ્રિગેડ સુત્રોએ જણાવ્યું હતું. જેમાં અમુક બે ત્રણ મોટી ઘટના સિવાય કચરાપેટીઓ, વંડાઓમાં આગ લાગ્યાના કોલ હતાં. ફાયર બ્રિગેડની ટીમો બંબા સાથે સતત દોડતી રહી હતી. જેમાં એકલા દિવાળીની રાતે મર્સીડીસના સર્વિસ સ્ટેશન સહિત ૧૪૮ સ્થળે આગના છમકલા થયા હતાં.
જાણવા મળ્યા મુજબ રાજકોટમા દિવાળીનો તહેવાર હોય એટલે લોકો દિવાળીના બે દિવસ અગાઉથી જ ફટાડકા ફોડવાનું ચાલુ કરી દેતાં હોય છે. આને કારણે આગના બનાવો પણ બનતા રહે છે. ફાયર બ્રિગેડ સુત્રોએ જણાવ્યું હતું કે રાજકોટમાં ધનતેરસથી દિવાળીની રાત, પડતર દિવસની સવાર સુધીમાં કુલ ૨૧૫ જેટલા આગના કોલ આવતાં આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. દિવાળીની રાતે ગોંડલ રોડ પર કારના શો રૂમમાં આગ ભભુકી હતી. આ આગ મોટી હતી. જેમાં નુકસાની પણ થઇ હતી. ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી.
આ ઉપરાંત રાજકોટના ં સોખડા નજીકનાં બે કારખાનામાં અચાનક ભીષણ આગ ભભૂકતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને દૂર-દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમો અને ૧૦૮ તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ નજીકની જ ખોલીઓમાં રહેતા ૫૦ કરતા વધુને સલામત સ્થળ ઉપર ખસેડી ૫ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. બીજીતરફ શહેરનાં મવડી વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં કાસ્ટિંગની ભઠ્ઠીમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી. અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર રહીમ જોબને જણાવ્યા મુજબ અમદાવાદ હાઇવે પર સોખડા નજીકનાં જે. એચ. વુડન તથા દેવ પ્લાસ્ટિક નામના બે કારખાનામાં આગ લાગવાનો કોલ સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ મળ્યો હતો. જેને લઈને અમારી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં નજીકની ઝૂપડપટ્ટીમાં રહેતા પચાસ કરતા વધુ મજૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પાચ ફાયર ફાઈટરો અને પંદરથી વધુ જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. આગ ફટાકડાથી લાગી કે અન્ય કારણે તે બહાર આવ્યું નહોતું. આ ઉપરાંત સોૈથી વધુ દિવાળીની રાતે આગના કોલ આવ્યા હતાં. જેમાં ૧૪૮ સ્થળે આગ લાગી હતી. મોટા ભાગની આગ સામાન્ય હતી. ત્રણ દિવસમાં કુલ મળીને ૨૧૫ સ્થળોએ આગ લાગી હતી, આગના છમકલા થયા હતાં. તમામ કોલમાં ફાયર બ્રિગેડની ટીમોએ ત્વરીત કાર્યવાહી કરી હતી.
(3:10 PM IST)










