News of Tuesday, 26th May 2026
ખાટલામાં સુતેલા ૧૪ વર્ષના રઘુને સાપે પગમાં દંશ દેતાં મોત
માધાપર ચોકડી પાસે મકાન-મંદિરની સાઇટ પર બનાવ : મુળ મધ્યપ્રદેશનો પરિવાર કડીયા કામ કરે છેઃ મજુરોએ સાપને પકડી પાઇપમાં પુરી દીધો

રાજકોટ તા. ૨૬: માધાપર ચોકડી પાસેની સોસાયટીમાં એક મકાનનું અને મંદિરનું બાંધકામ ચાલુ હોઇ આ સાઇટ પર કડીયા કામની મજૂરી કરી ત્યાં જ રહેતાં મુળ મધ્યપ્રદેશના પરિવારના ૧૪ વર્ષના પુત્ર રઘુ રતનભાઇ જામનીયાનું સર્પદંશથી મોત થતાં મજૂર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
રઘુ રાતે ખાટલામાં સુતો હતો ત્યારે તેના પગના અંગુઠા પાસે સાપે દંશ મારી દીધો હતો. આ પછી તેને ઉલ્ટીઓ ચાલુ થઇ જતાં તેના પરિવારજનો, બીજા મજુરો જાગી જતાં સાપ જોવા મળતાં પકડીને લોખંડના લાંબા પાઇપમાં પુરી દીધો હતો. રઘુને સાપ કરડી ગયાનું જણાતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ વહેલી સવારે તેનું મોત થયું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર રઘુ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તે માતા-પિતા-પરિવારજનો સાથે એકાદ વર્ષથી રાજકોટ રહેતો હતો. તેના માતા-પિતા કડીયા કામની મજૂરી કરે છે. લાડકવાયાના મોતથી મજૂર દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.
(3:32 PM IST)










