<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

શાપરમાં ૧૪ વર્ષની ખુશ્‍બુની ગળામાં ચુંદડી વીંટાળેલી લાશ મળીઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

પાંચ મહિના પહેલા યુપીથી કાકા-કાકીના ઘરે તેની નાનકડી દિકરીની દેખરેખ માટે આવી હતીઃ કારણ અકળઃ કાકાએ કહ્યું-ખુશબુએ જાતે ગળામાં ચુંદડી નાંખી બંને છેડા ખેંચી આપઘાત કર્યોઃ એ પહેલા ઝેર પણ પીધું: શાપર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૯: શાપર વેરાવળમાં કાકા-કાકી સાથે રહેતી મુળ યુપીની ૧૪ વર્ષની બાળાની લાશ ગળામાં ચુંદડી વીંટાળેલી હાલતમાં રૂમમાંથી મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. તેણી અહિ કાકા-કાકી સાથે રહેતી હતી. તેણીએ ગળામાં ચુંદડી નાંખી તેના બંને છેડા ખેંચી ગળાફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધાનું કાકાએ કહ્યું હતું. તેમજ ફાંસો ખાધા પહેલા ઝેરી દવા પણ પીધાની શંકા દર્શાવી હતી. જો કે શાપર પોલીસને બનાવ શંકાસ્‍પદ લાગતાં મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.

જાણવા મળ્‍યા મુજબ શાપરમાં આનંદ ગેઇટમાં ભૂમિ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે રહેતી ખુશ્‍બુ વિજયકુમાર બીન્‍દ (ઉ.વ.૧૪) ગઇકાલે બપોરે રૂમમાંથી બેભાન મળતાં કાકા રાજેન્‍દ્ર બીન્‍દે સારવાર માટે શાપર હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ખુશ્‍બુએ ગળામાં ચુંદડી વિંટાળી બંને છેડા ખેંચીને ગળાફાંસો ખાઇ લીધાનું અને એ પહેલા ઝેરી દવા પણ પીધાનું તેણીના કાકાએ જણાવતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો.

મૃત્‍યુ પામનાર ખુશ્‍બુ બે બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા યુપીમાં છુટક કામ કરે છે. તેના કાકા રાજેન્‍દ્ર અને કાકી  શાપર રહેતાં હોઇ તેને નાની દિકરી હોઇ તેની દેખરેખ માટે તેણી પાંચેક મહિના પહેલા યુપીથી અહિ શાપર આવી હતી. તેણે આપઘાત શા માટે કર્યો તેનાથી કાકા-કાકીએ પોતે અજાણ હોવાનું કહ્યું હતું. બે રૂમ હોઇ તેમાં એકમાં કાકા-કાકી રહેતાં હતાં અને બીજામાં ખુશ્‍બુ સુતી હતી. બપોરે કાકા બહારથી આવ્‍યા ત્‍યારે ખુશ્‍બુ બેભાન અને ગળામાં ચુંદડી વીંટાળેલી મળી હતી. બનાવની જાણ થતાં પિતા પણ યુપીથી રાતોરાત રવાના થઇ રાજકોટ પહોંચ્‍યા હતાં. બનાવ શંકાસ્‍પદ જણાતો હોઇ શાપર પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડયો હતો.

(3:32 PM IST)