તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
લક્ષ્મીનગર રામવાડીમાં મિત્રને મળવા ગયેલા ૧૪ વર્ષના દેવાંશને જો આને છરી કહેવાય કહી ઘા ઝીંકી દીધો!
દેવાંશ મિત્ર સાથે ઉભો હોઇ છરી બતાવનાર કરણને-મારે તારી છરી નથી જોવી કહેતાં જ તે ઉશ્કેરાયો અને હુમલો કર્યોઃ માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાયો ડરી ગયેલા દર્શને પહેલા તો ખીલી લાગ્યાનું ઘરે કહ્યું હતું: ખુબ દુઃખાવો થતાં સાચી હકીકત જણાવી

રાજકોટ તા. ૩૦: વિજય પ્લોટમાં રહેતો ૧૪ વર્ષનો સગીર લક્ષ્મીનગર મેઈન રોડ પર રામવાડીમાં આવેલા એક કારખાને મિત્રને મળવા ગયો અને મિત્ર સાથે કારખાના બહાર ઉભો રહી વાત કરતો હતો ત્યારે નજીકમાં રહેતાં શખ્સે આવી જો આને છરી કહેવાય તેમ કહી છરી બતાવતાં સગીરે મારે તારી છરી નથી જોવી એવું કહેતાં આ શખ્સે ઉશ્કેરાઇ જઇ તેના પર હુમલો કરી દેતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે વિજયપ્લોટ-૧૨ કેન્દ્રની સામે સૂર્યકાંત હોટલ નજીક રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં રાજુભાઇ ભીમજીભાઇ ડોડીયા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી કરણ નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રાજુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે બપોરે આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ તેમનો ૧૪ વર્ષનો નાનો દીકરો દેવાંશ લક્ષ્મીનગર મેઈન રોડ રામવાડી શેરી નં.-૫માં આવેલા તેના મિત્ર હર્ષભાઈના ગણેશ પ્લાય એજ નામના કારખાના પર તેને મળવા માટે ગયો હતો.
દેવાંશ અને તેનો મિત્ર હર્ષભાઈ બંને કારખાનાની બહાર બેઠા હતા. આ દરમિયાન કારખાનાની સામે જ રહેતો કરણ નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો. કરણે અચાનક પોતાની પાસે રહેલી છરી કાઢીને દેવાંશને બતાવી હતી અને રોફ જમાવતા હોય તેમ કહ્યું કે-જો આને છરી કહેવાય. આથી દેવાંશે તેને જવાબ આપતાં કહ્યું હતું કે-તારી છરી તારી પાસે રાખ, મારે નથી જોવી તારી છરી. દેવાંશનો આ જવાબ કરણને સારો લાગ્યો નહોતો અને તે ઉશ્કેરાઈ ગયો હતો. આ પછી તેણે છરી દેવાંશના જમણા પગના સાથળના પાછળના ભાગે મારી દીધી હતી અને ઈજા પહોંચાડી હતી.
હુમલા બાદ દેવાંશ જ્યારે લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યો ત્યારે શરૂઆતમાં ડરના માર્યા તેણે પિતાને એવું કહ્યું હતું કે કારખાનામાં બેસવા જતાં તેને ખીલ્લી વાગી ગઈ છે. પિતા રાજુભાઈ તેને તુરંત જ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાઈ હતી. બીજા દિવસે સાંજે સાત વાગ્યાની આસપાસ જ્યારે સાથળના ભાગે અતિશય દુખાવો ઉપડ્યો, ત્યારે પિતાએ વધુ પૂછપરછ કરતાં દેવાંશે કરણ નામના શખ્સે છરી મારી હોવાની સાચી હકીકત જણાવી હતી.
પુત્ર પર છરી વડે હુમલો થયો હોવાની જાણ થતાં જ પિતા રાજુભાઈ તાત્કાલિક માલવીયાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને વિગતો જણાવી હતી. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. સારંગભાઇ ઓગાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(4:07 PM IST)










