News of Tuesday, 3rd November 2026
માલસામાન માટેની લિફટમાંથી પંદરેક ફુટ ઉંચાઇથી પટકાતાં ૧૩ વર્ષના મુકેશનું મોત
ગોંડલ રોડ સાંઢીયા પૂલ નજીક કારખાનામાં કરૂણ બનાવ : મુળ યુપીનો ટાબરીયો મોટા ભાઇ સાથે રહેતો હતોઃ આજીડેમ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ પર કારખાનામાં સામાન હેરફેરની લિફટ મારફત જમવાનો સામાન ઉપર ચડાવતી વખતે ૧૩ વર્ષનો ટેણીયો પંદરેક ફુટ ઉંચાઇએથી પટકાતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે. મુળ યુપીનો આ સગીર તેના મોટા ભાઇ સાથે અહિ રહેતો હતો.
જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ સાંઢીયા પૂલ પાસે સ્વાતિ રોડ પર ગુરૂકૃપા કારખાનામાં મોટા ભાઇ સાથે રહેતો મુકેશ સિપાહીભાઇ ીનશાદ (ઉ.વ.૧૩) સવારે કારખાનામાં માલસામાનની લિફટ મારફત જમવાનો સમાન ઉપર ચડાવતો હતો ત્યારે પંદરેક ફુટ ઉંચાઇ પર લિફટ પહોંચી ત્યારે અકસ્માતે પટકાતાં માથા, ગળામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મુકેશ ચાર ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના માતા-પિતા સહિતના પરિવારજનો યુપીમાં રહે છે. તેનો મોટો ભાઇ અહિ રાજકોટ કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતો હોઇ મુકેશ મોટા ભાઇ સાથે અહિ રહેતો હતો. બનાવથી બીજા મજૂરોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:46 PM IST)










