News of Friday, 19th June 2026
શ્રીરામ ચાઇનીઝ એન્ડ પંજાબી અને બાલાજી ઢોસા સેન્ટરમાંથી ૧ર૭ કિલો અખાદ્ય ચીજો નાશ : સીલ
ભેળસેળ અને ગંદકી સામે મનપાના ફ્રુડ વિભાગનું મેગા ઓપરેશન : મવડી બાયપાસ રોડ તથા ગોંડલ રોડ પરના રેસ્ટોરન્ટમાં ચેકીંગ દરમ્યાન વાસી અખાદ્યચીજનો ઝડપાઇ : ૬૩ રેસ્ટોરન્ટ, ફુડ હોકર્સ ઝોનમાં ર૬ ને નોટીસ : ૮૪, ૪૦૦ નો દંડ : શ્રીખંડ, આઇસ્ક્રીમના નમુના લેવાયા

રાજકોટ, તા.,૪: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, ગંદકી અને અનહાઈજેનિક સ્થિતિ સામે સઘન સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ગોંડલ રોડ પર બોમ્બે હોટલ સામે આવેલ શ્રી રામ ચાઇનીઝ એન્ડ પંજાબી રેસ્ટોરન્ટમાં ગંભીર ગંદકી અને અનહાઈજેનિક સ્થિતિ જોવા મળતા પેઢીને સીલ કરવામાં આવી હતી. સ્થળ પરથી આશરે ૧૦થી ૧૨ કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત મવડી બાયપાસ રોડ પર રિયલ ઙ્કાઇમ સામે આવેલા બાલાજી ઢોસા સેન્ટરમાં પણ અનહાઈજેનિક પરિસ્થિતિમાં ખાદ્ય ચીજો તૈયાર થતી હોવાનું અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા પેઢીને સીલ કરવામાં આવી હતી. સ્થળ પરથી અંદાજે ૧૧૫ કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત લાઇસન્સ મેળવવા સૂચના આપી રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગે મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, સર્વેશ્વર ચોક, વર્ણીરાજ ફૂડ ઝોન (નેપલ્સ પીઝા), રેસકોર્સ રિંગ રોડ, સોરઠિયાવાડી સર્કલથી ભક્તિનગર સર્કલ, ૮૦ ફૂટ રોડ, આઈટીઆઈ હોકર્સ ઝોન તેમજ આજી ડેમ ચોકડીથી માંડાડુંગર અને કોઠારીયા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ૬૩ પેઢી, રેસ્ટોરન્ટ અને હોકર્સ ઝોનની તપાસ કરી હતી. આ દરમિયાન કુલ ૨૬૦ કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ૨૬ પેઢીઓને સ્ટોરેજ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ ફટકારી કુલ રૂ.૭૪,૪૦૦ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી.
બીજી તરફ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ વિવિધ ડેરી અને આઈસ્ક્રીમ પાર્લરમાંથી કુલ ૬ ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ (લૂઝ): શ્રીજી મઠાવાલા, સમભાવ કોમ્પ્લેક્સ, શોપ નં.-૫, SBI પાસે, નાનામવા રોડ, વેનીલા આઇસ્ક્રીમ (લૂઝ):- શ્રીજી મઠાવાલા, સમભાવ કોમ્પ્લેક્સ, શોપ નં.-૫, SBI પાસે, નાનામવા રોડ, રાજકોટ.ડ્રાયફ્રૂટ ડીલાઇટ આઇસ્ક્રીમ (લૂઝ): આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સ પાર્ક, બિલ્ડીંગ નં.-૭, શોપ નં.-૧૦, એરપોર્ટ રોડ, ૪. પાઈનેપલ શ્રીખંડ (લૂઝ): મહેશ વિજય ડેરીફાર્મ, શોપ નં.-૧, ડેસ્ટિનેશન પ્લસ, અમિન માર્ગ, રાજકોટ, રાવણા જાંબુ આઇસ્ક્રીમ (લૂઝ): સ્થળ -આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સ પાર્ક, બિલ્ડીંગ નં.-૭, શોપ નં.-૧૦, એરપોર્ટ રોડ, તથા મેંગો ચિપ્સ શ્રીખંડ (લૂઝ): મહેશ વિજય ડેરીફાર્મ, શોપ નં.-૧, ડેસ્ટિનેશન પ્લસ, અમિન માર્ગનો સમાવેશ થાય છે.
(3:03 PM IST)










