<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના રાષ્‍ટ્રીય શાસનનાં ૧૨ વર્ષ પૂર્ણઃ ૨૬ મે ૨૦૧૪ના રોજ દેશમાં વિકાસ યુગનો સૂર્યોદય થયો હતો

‘સબકા સાથ-સબકા વિકાસ'ના મંત્રથી દેશને નવી ઊંચાઈએ પહોંચાડી ‘વિશ્વ ગુરુ' બનાવ્‍યાઃ પ્રદેશ ભાજપ અગ્રણીએ વડાપ્રધાનને કોટી-કોટી અભિનંદન પાઠવ્‍યા : સળંગ ૨૫ વર્ષ (૧૩ વર્ષ મુખ્‍યમંત્રી અને ૧૨ વર્ષ વડાપ્રધાન) પ્રજાની અવિરત સેવા કરી વિશ્વ વિક્રમ સર્જનાર સૌથી દીર્ઘકાલીન લોકતાંત્રિક શાસક : રાજુભાઈ ધ્રુવ

રાજકોટ : કરોડો લોકોના હૃદય સિંહાસન પર બિરાજતા અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસ્‍થાપિત થયેલા ગુજરાતના સપૂત એવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન તરીકે શાસનના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પુરા કરી રહ્યા છે. આ ઐતિહાસિક અવસરે તેમને કોટી કોટી અભિનંદન આપતા પ્રદેશ ભાજપ કારોબારી સભ્‍ય રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું છે કે, ૨૦૧૪માં ૨૬ મેના રોજ નરેન્‍દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્‍યારે દેશમાં રાષ્‍ટ્રવાદી વિચારધારા સાથે વિકાસ યુગનો સૂર્યોદય થયો હતો. ૧૨ વર્ષમાં શાંતિ અને સ્‍થિરતા સાથેના સુશાસન દ્વારા તેમણે દેશને અત્‍યંત શક્‍તિશાળી બનાવ્‍યો છે.

રાજુભાઈ ધ્રુવે નરેન્‍દ્રભાઈ મોદીની અવિરત જનસેવાને અભૂતપૂર્વ અને ઐતિહાસિક વણથંભી વિકાસયાત્રા ગણાવતા ઉમેર્યું કે, સળંગ ૧૩ વર્ષ ગુજરાતના મુખ્‍યમંત્રી અને સળંગ ૧૨ વર્ષ દેશના વડાપ્રધાન તરીકે યશસ્‍વી, કુશળ અને પ્રજાવત્‍સલ શાસક તરીકે સળંગ ૨૫ વર્ષ સુધી દેશના કરોડો લોકો તરફથી મળેલો અવિરત સ્‍નેહ અને સમર્થન એ વૈશ્વિક લોકશાહીના ઇતિહાસમાં એક વિરલ ઘટના છે. તેમની આ રાજકીય કારકિર્દી માત્ર શાસનના આંકડા નથી, પરંતુ કરોડો ભારતીયોના અતૂટ વિશ્વાસ અને આશીર્વાદની મૂડી છે.

ભાજપ અગ્રણીએ જણાવ્‍યું કે, આજથી બરાબર બાર વર્ષ પહેલાં સ્‍પષ્ટ જનાદેશ દ્વારા નરેન્‍દ્રભાઈ મોદીએ દેશની બાગડોર હાથમાં લીધી અને ગુજરાતના સફળ વિકાસ મોડલને રાષ્‍ટ્રીય ફલક પર લાગુ કર્યું. ‘આયુષ્‍માન ભારત',‘ખેલો ઇન્‍ડિયા', ‘સ્‍વચ્‍છ ભારત અભિયાન' અને ‘નલ સે જલ' જેવી રાષ્‍ટ્રીય સ્‍તરની પ્રમુખ યોજનાઓએ મૂળભૂત રીતે ગુજરાતની યોજનાઓમાંથી પ્રેરણા લીધી છે. દિલ્‍હી-મુંબઈ એક્‍સપ્રેસ-વે, વંદે ભારત ટ્રેનો અને એઈમ્‍સ રાજકોટ જેવી પરિયોજનાઓમાં વડાપ્રધાનના વ્‍યૂહાત્‍મક આયોજનની સ્‍પષ્ટ છાપ છે, જેનાથી ભારતની વિકાસગાથામાં ગુજરાત મુખ્‍ય કેન્‍દ્રબિંદુ બનેલું રહ્યું છે.

છેલ્લા ૧૨ વર્ષનો આ સમયગાળો પરિવર્તનકારી શાસન, સમાવેશી વિકાસ અને વૈશ્વિક મંચ પર ભારતની નવી ઓળખ ઊભી કરનારો રહ્યો છે. ૨૦૧૪થી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ‘વિકાસવાદ'ને પ્રોત્‍સાહન આપ્‍યું છે. જેના પરિણામે ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે. સંરક્ષણ, ડિજિટલ માળખું, રેલવે અને બંદરો સહિતના તમામ ક્ષેત્રોમાં ચતુર્મુખી વિકાસ થયો છે.

અંતમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, એક સામાન્‍ય પરિવારના નાગરિકમાંથી વૈશ્વિક નેતા બનવાની અને રાષ્‍ટ્ર નિર્માણ કાજે પોતાનું જીવન સમર્પિત કરનારી તેમની આ સફર પ્રેરણાદાયી છે. આજે ‘વિકસિત ભારત ક્‍૨૦૪૭'ના ભવ્‍ય વિઝન સાથે તેઓ દેશને આગળ ધપાવી રહ્યા છે ત્‍યારે સમગ્ર દેશ વતી તેમને મંગલમય શુભકામનાઓ છે.

(3:20 PM IST)