<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

શહેરમાંથી દૈનિક ૧૧૦૦ ટન કચરાનો નિકાલ

દિવાળીની સફાઈમાં કચરાનો ખડકલો સામાન્‍ય દિવસો કરતાં રોજ ૨૦૦થી ૨૫૦ ટન વધુ કચરો ઠલવાયો : દિવાળીની સાફસફાઈથી મનપાની સોલિડ વેસ્‍ટ શાખા દોડતી થઈઃ શહેરના ત્રણેય ઝોનમાં કચરાનું પ્રમાણ વધ્‍યું

રાજકોટ,તા.૪: દિવાળીના તહેવારોને પગલે રાજકોટ શહેરમાં ઘરો, દુકાનો અને વેપારી સંકુલોમાં સાફસફાઈનો ધમધમાટ શરૂ થતાં કચરાના પ્રમાણમાં જંગી વધારો નોંધાયો છે. સામાન્‍ય દિવસોમાં શહેરમાંથી દરરોજ સરેરાશ ૮૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવતો હોય છે, પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન આ આંકડો વધીને રોજના આશરે ૧૧૦૦ ટન સુધી પહોંચી ગયો છે. પરિણામે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા વધારાના કચરાના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દિવાળીના તહેવારોમાં શહેરીજનો દ્વારા ઘર, ઓફિસ, દુકાનો, શોરૂમ અને વેપારી સંકુલોમાં મોટા પાયે સાફસફાઈ કરવામાં આવતી હોય છે. પરિણામે જૂની અને બિનઉપયોગી ચીજવસ્‍તુઓ સહિત સૂકા કચરાનું પ્રમાણ વધ્‍યું છે. શહેરમાં પહેલી નવેમ્‍બરથી કચરાના નિકાલની કામગીરીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા સામાન્‍ય દિવસોમાં રોજના આશરે સાડા આઠસો ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે, જ્‍યારે દિવાળીની સાફસફાઈના કારણે દરરોજ અંદાજે ૨૦૦થી ૨૫૦ ટન જેટલો વધારાનો કચરો એકત્રિત થઈ રહ્યો છે. આમ, શહેરમાંથી રોજના આશરે ૧૧૦૦ ટન કચરાનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

શહેરના ઈસ્‍ટ, વેસ્‍ટ અને સેન્‍ટ્રલ એમ ત્રણેય ઝોનમાં કચરાના નિકાલની કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને વેસ્‍ટ ઝોનમાં સામાન્‍ય દિવસોની સરખામણીએ દરરોજ આશરે ૫૦ ટન વધારાનો કચરો એકત્રિત થઈ રહ્યો છે. અન્‍ય વિસ્‍તારોમાં પણ ઘરો અને વેપારી સંકુલોની સાફસફાઈને કારણે કચરાના જથ્‍થામાં વધારો થયો છે.

દિવાળીના તહેવારો દરમિયાન કચરાનું પ્રમાણ વધતાં મહાનગરપાલિકાની સફાઈ વ્‍યવસ્‍થા પર વધારાનું ભારણ આવ્‍યું છે. જોકે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્‍તારોમાંથી એકત્રિત થતા કચરાનો નિયમિત નિકાલ કરવામાં આવી રહ્યો છે.

દિવાળીની સાફસફાઈથી કચરામાં ઉછાળોઃ રોજ ૨૫૦ ટનનો વધારાનો બોજ રાજકોટમાં સામાન્‍ય દિવસોની સરખામણીએ દિવાળીના તહેવારો દરમિયાન કચરાના જથ્‍થામાં આશરે ૨૯ ટકાનો વધારો નોંધાયો છે. ઘરો અને વેપારી સંકુલોમાંથી નીકળતા વધારાના કચરાને કારણે મનપાની સફાઈ કામગીરીનું ભારણ વધ્‍યું છે. દિવાળીની ઉજવણી વચ્‍ચે શહેરને સ્‍વચ્‍છ રાખવા માટે વધારાના કચરાનો સમયસર નિકાલ કરવો મહાનગરપાલિકા માટે મહત્‍વપૂર્ણ બન્‍યો.

(3:40 PM IST)