<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ધમાલ નૃત્‍યની પ્રેકટીસ વખતે દાઝેલા ૧૦ વર્ષના બાળક મુજાહિદનું મૃત્‍યુ

બાળકને તાલાલા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયોઃ પકડમપટ્ટી રમતી વખતે માથાકુટ થતાં સળગાવી દીધાનો રાજકોટ પોલીસ સમક્ષ આક્ષેપ થયો હતોઃ તાલાલા પોલીસે તપાસ કરતાં મોઢામાં પેટ્રોલ ભરી ધમાલ નૃત્‍યની પ્રેકટીસ કરતી વખતે દાઝ્‍યાની વિગતો ખુલી હતી

 

રાજકોટ તા. ૨૩: ગીર સોમનાથ તાબેના તાલાલામાં નરસિંહ ટેકરી વિસ્‍તારમાં રહેતો દસ વર્ષનો સીદી બાદશાહ બાળક ગત ૨૮/૮ના રોજ સાંજે ઘર નજીક રમવા ગયો ત્‍યારે ગંભીર રીતે દાઝી જતાં તાલાલા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.  તેનું આજે સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે. રાજકોટ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં આ બાળકને તે પકડમપટ્ટી રમવા ગયો ત્‍યારે બીજા ત્રણ છોકરા સાથે માથાકુટ થતાં છોકરાઓએ પેટ્રોલ છાંટી સળગાવી દીધો હોવાનું જણાવાયું હતું. આથી રાજકોટ પોલીસે તાલાલા પોલીસને આ મુજબની નોંધ કરાવી હતી. જો કે તાલાલા પોલીસની તપાસમાં તે મોઢામાં પેટ્રોલ ભરી ધમાલ નૃત્‍યની પ્રેકટીસ કરતી વખતે આ બાળક દાઝી ગયો હોવાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ તાલાલા ગીરમાં નરસિંહ ટેકરી વિસ્‍તારમાં રહેતો મુજાહીદ બગસભાઇ સાયલી (ઉ.વ.૧૦) ૨૮/૮નો ે સાંજે સાતેક વાગ્‍યે ઘર પાસે રમતો હતો ત્‍યારે ગંભીર રીતે દાઝી જતાં તેની ચીસો સાંભળી બાળકના માતા હીનાબેન તેમજ બીજા લોકો દોડી ગયા હતાં. મુજાહીદને પ્રથમ તાલાલા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે જુનાગઢ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જો કે હાલત વધુ ગંભીર હોઇ તેને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં રીફર કરવામાં આવ્‍યો હતો. આજે તેણે દમ તોડી દીધો હતો. મુજાહીદ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો.ં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ મુજબની નોંધ તાલાલા પોલીસ સ્‍ટેશનમાં કરાવી હતી. તાલાલા પોલીસે રાજકોટ પહોંચી તપાસ કરી હતી. દરમિયાન તાલાલા પોલીસ સ્‍ટેશનનો આ ઘટના બારામાં સંપર્ક કરતાં જણાવાયું હતું કે આ બનાવમાં બાળકને સળગાવી દીધાની હકિકત સામે આવી નથી. પરંતુ બાળકો મોઢામાં પેટ્રોલ ભરી ધમાલ નૃત્‍યની પ્રેકટીસ કરતાં હતાં ત્‍યારે ભડકો થતાં તે દાઝી ગયો છે. આમ છતાં વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી હતી. દરમિયાન આજે બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે અને નરસિંહ ટેકરી વિસ્‍તારમાં ચકચાર જગાવી દીધી છે.

(3:00 PM IST)